બહેરામપુરામાં કેમિકલયુક્ત પાણી રોડ પર છોડતી છ ફેક્ટરી સીલ

અમદાવાદ: કોર્પોરેશનના દક્ષિણ ઝોનના બહેરામુપરા વોર્ડમાં લાંબા સમયથી ફેક્ટરીઓ દ્વારા એ‌િસ‌િડક કેમિકલયુક્ત પાણી રોડ પર છોડવામાં આવે છે. લોકોને આવા કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવું પડતું હોઇ તેમનું આરોગ્ય જોખમાય છે, જેના કારણે તંત્ર દ્વારા ગઇ કાલે છ ફેકટરીને તાળાં મારી દેવાયાં હતાં.

હેલ્થનો હવાલો સંભાળતા દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી.આર. ખરસાણ કહે છે, ગઇ કાલે હેલ્થ વિભાગ દ્વારા ખારાવાલા કમ્પાઉન્ડ સ્થિત સાંઇ ફિગમેન્ટ અને લોખંડવાલા કમ્પાઉન્ડ સ્થિત સ્વસ્તિક કલર નામની બે ફેકટરીને હેલ્થ લાઇસન્સ મેળવ્યા વગર તેમજ એસટીપી પ્લાન્ટ નાખ્યા વગર કોર્પોરેશનની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી છોડવા બદલ સીલ મરાયા છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરાતાં આવા એકમો વિરુદ્ધ આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાશે. બહેરામપુરામાં કેમિકલયુક્ત પાણી મામલે શૂરાતન દાખવનાર કોર્પોરેશન નિકોલમાં પાણીમાં બેસી ગયું છે. નિકોલમાં કેમિકલવાળું પાણી આજે પણ લોકોને રાડ પડાવે છે.

નાગરિકોના ઘર સુધી કેમિકલયુક્ત લાલ કોલા જેવું પાણી પહોંચી ગયું છે. તેમ છતાં તંત્ર નિષ્ક્રિય જ છે. નિકોલના રસ્તાઓ કેમિક્લવાળા પાણીથી ઊભરાઇ રહ્યા છે તેવી દોઢ મહિના જૂની કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીમાં ગૌતમ કથીરિયા તથા અન્ય સભ્યોની રજૂઆત પણ પૂર્વ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ગણકારાઇ નથી.

ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ નિકોલના મામલે સ્ટેન્ડિંગના સભ્યોએ સત્તાવાળાઓ પર પસ્તાળ પાડી હતી, જોકે સત્તાવાળાઓ હરહંમેશ મુજબ ત્વ‌િરત પગલાં લેવાનું આશ્વાસન સભ્યોને આપીને તેમની રજૂઆતનું ફીંડલું વાળી દીધું હતું!

You might also like