ધાંધલ ધમાલના પગલે મ્યુનિ. કચેરીમાં કડક પ્રવેશબંધી

અમદાવાદ: કોર્પોરેશનની બજેટ બેઠકમાં ગઇ કાલે સાંજે ભારે હોબાળો થવાની સાથે મ્યુનિસિપલ મુખ્યાલય પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. મુખ્યાલયમાં અજાણ્યા લોકો દ્વારા ‘હલ્લાબોલ’ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આવા વિકટ સંજોગોમાં વધુ બે દિવસ કોર્પોરેશનમાં કિલ્લેબંધી કરી દેવાશે. કમિશનર મૂકેશકુમારના કડક અાદેશથી બહારની રિક્ષા સહિત કોઇ પણ ચમરબંધીની ગાડી મુખ્યાલયમાં પ્રવેશી નહીં શકે. ફક્ત કોર્પોરેટરો અને કર્મચારીઓનાં વાહનોને જ પ્રવેશ અપાશે.

કોંગ્રેસના સભ્યો દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને કમિશનરના માઇકને તોડી નંખાયા બાદ ગૃહમાં અરાજકતા ફેલાઇ ગઇ હતી. ગૃહને તાળાં મરાયાં પછી કોર્પોરેશનના સિક્યોરિટી સુપરિન્ટેન્ડેન્ટ જી.એસ. બારિયા ગૃહમાં થયેલી તોડફોડનું જાત નિરીક્ષણ કરવા આવ્યા હતા. બાદમાં તેમણે કમિશનર મૂકેશકુમારને મૌખિક રિપોર્ટ આપ્યો હતો. જોકે હજુ સુધી સરકારી કામમાં રૂકાવટ ઊભી કરવા જેવી બાબતનો પોલીસ કેસ કોર્પોરેશન કર્યો નથી. આ અંગેનો નિર્ણય સેક્રેટરી કે શાસકપક્ષ પર છોડાયો છે.

ફાયરબ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂરને પણ કમિશનર મૂકેશકુમારે મોડી સાંજે મુખ્યાલયની સલામતી વ્યવસ્થાના સંદર્ભે બોલાવ્યા હતા. કમિશનરે દસ્તૂરને મુખ્યાલય ખાતે તકેદારીના ચુસ્ત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. દરમ્યાન ગઇ કાલની ધાંધલ ધમાલમાં તમામ ઉચ્ચ અધિકારીઓ પોત પોતાની બેઠક છોડીને તત્કાળ રફુચક્કર થતાં એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતાનો મોંઘો મોબાઇલ બેઠક પર મૂકી આવ્યા હતા.

કોંગ્રેસના સભ્યો દ્વારા બજેટ બેઠકના સાંજના ભોજનનો બહિષ્કાર કરાતાં તેમજ ભાજપના કેટલાક સભ્યો પણ એ લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની ઉતાવળ હોઇ નીકળી જતાં ભાજપના એક સિનિયર કોર્પોરેટરે કોન્ટ્રાકટરના લાભાર્થે કર્મચારીઓને ભોજનની કતારમાં લગાડી દીધા હતા.

આની સાથે સાથે કોંગ્રેસ કાર્યાલયમાં ભાજપ દ્વારા ડેપ્યુટી મેયરને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગૃહમાં ઇરાદાપૂર્વક ધાંધલ ધમાલ કરાઇ હોવાનું ચર્ચાયું હતું. તો  ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસમાં લઘુમતી સમાજના નેતા બનવા કેટલાક કોર્પોરેટરોમાં વર્ચસ્વની લડાઇ જામી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like