મ્યુનિ. કર્મચારીઅોને ૧ સપ્ટેમ્બરની અસરથી પગાર વધારો મળશે

728_90

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના તેવીસ હજારથી વધુ કર્મચારીઓ ચાતકડોળે સાતમા પગારપંચના અમલીકરણની રાહ જોઇ રહ્યા છે. આ કર્મચારીઓ માટે સારા સમાચાર છે. તંત્ર દ્વારા આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાતમા પગારપંચનો કોર્પોરેશનમાં અમલ કરવા અંગેની દરખાસ્ત મુકાશે.
નાણાં વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ કહે છે, આગામી તા.૧ સપ્ટેમ્બર ૨૦૧૬થી કર્મચારીઓને સાતમા પગારપંચની ભલામણ મુજબ વેતનમાં વધારાનો લાભ મળશે.સાતમા પગારપંચની અમલવારીથી કોર્પોરેશનની તિજોરી દર મહિને આશરે રૂ.૧૦ કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે.

અત્યારે મ્યુનિ. સ્ટાફના પગાર પેટે દર મહિને આશરે રૂ.પ૩ કરોડ ખર્ચાય છે, જે હવે પછી વધીને આશરે રૂ.૬પ કરોડ થશે. અન્ય મ્યુનિ. સંલગ્ન સંસ્થાને સાતમા પગારપંચના અમલીકરણથી દર મહિને રૂ.૪.પ૦ કરોડનો આર્થિક બોજો પડી શકે છે. સાતમા પગારપંચના સંદર્ભમાં વધારાનાં નાણાંની જોગવાઇ કરાઇ હોઇ કોર્પોરેશનનાં વિકાસકામો સહિત અન્ય કામો પર આનાથી કોઇ માઠી અસર પડશે નહીં. સાતમા પગારપંચની ભલામણ મુજબ પગારમાં બાવીસ ટકાનો વધારો થવાનો હોઇ જે તે કર્મચારીના પગારમાં ઓછામાં ઓછા રૂ.ત્રણેક હજારથી લઇને રૂ.પચીસ હજાર સુધીનો વધારો થશે.

You might also like
728_90