સોસાયટીઓના ચેરમેન સહિતના આગેવાનોને ‘ખર્ચાપાણી’ અપાશે

અમદાવાદ: ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માટે આવતી કાલની ચૂંટણી ખરાખરીનો જંગ બનશે, જોકે હાલના માહોલના કારણે રાજકીય પક્ષોમાં ઓછા મતદાનની ભી‌િત છે. અમુક જગ્યાએ રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર પ્રચારને પણ ટાળી રહ્યા છે. આ સંજોગોમાં રાજકીય પક્ષો મતદારોને મતદાનમથક સુધી ખેંચી લાવવા માટે જે તે સોસાયટી-એપાર્ટમેન્ટના ચેરમેન-સેક્રેટરી સહિતના આગેવાનોને રોકડ રકમ આપીને મનાવી લીધા છે. આ આગેવાનોને આકર્ષક ખર્ચાપાણી અપાઈ રહ્યું છે.

સામાન્ય રીતે એક વોર્ડમાં ૯૦થી ૧૦૫ મતદાનમથક છે અને એક મતદાનમથકમાં ૭૦૦થી ૮૦૦ મતદારો છે. રાજકીય પક્ષોએ જે તે સોસાયટી-એપાર્ટમેન્ટના ચેરમેન-સેક્રેટરી સહિતના આગેવાનોની યાદી તૈયાર કરવા લીધી છે, જેમાં આ સ્થાનિક આગેવાનોની ક્ષમતા મુજબ તેમને ખર્ચાપાણી ચૂકવાઈ રહ્યાં છે.

કોઈ આગેવાનની મતદારોને બહાર કાઢવાની શક્તિ ઓછા મતદાનમથક સુધી સીમિત હોય તો તેવા આગેવાનને રૂ. ૧૦,૦૦૦ અને વધારે મતદાનમથકનો પ્રભાવ ધરાવતા આગેવાનને રૂ. ૨૫,૦૦૦ સુધીની રકમ અપાઈ રહી છે. આ આગેવાનોએ પોતાના વિસ્તારોના મતદારોને રિક્ષા સહિતના અન્ય માધ્યમથી મતદાનમથક સુધી પહોંચાડીને જે રાજકીય પક્ષે ખર્ચાપાણી આપ્યાં હોય તેમની તરફેણમાં ઊંચું મતદાન કરાવવું પડશે. રાજકીય પક્ષોએ પોતાના સમર્થક મતદારોને મતદાનમથક સુધી ખેંચી લાવવા માટે નવો રસ્તા અપનાવ્યો છે.

You might also like