અાઠ વર્ષમાં મ્યુનિ.ને ૪૦૦૮ કરોડની ગ્રાન્ટ અોછી મળી!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનની અાવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. ગત તા. ૧૫ નવેમ્બર, ૨૦૦૭ (લાભપાંચમ)થી અોક્ટ્રોય બંધ કરી દેવાતાં તંત્રને અાવકનાં ફાંફાં પડ્યાં છે. અોક્ટ્રોયના વિકલ્પે કોર્પોરેશનને રાજ્ય સરકાર દ્વારા ગ્રાંટ પૂરી પડાય છે, પરંતુ છેલ્લાં અાઠ વર્ષમાં કોર્પોરેશનને અોક્ટ્રોયના વિકલ્પે રૂ. ૪૦૦૮.૬૩ કરોડની ગ્રાંટ અોછી મળી છે.

અોક્ટ્રોય બંધ કરતી વખતે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને દર વર્ષની અોક્ટ્રોય અાવકના ૧૫ ટકાની વૃદ્ધિ સાથેની ગ્રાંટની રકમ ફાળવવાની ખાતરી અપાઈ હતી, પરંતુ દર વર્ષની અોક્ટ્રોયમાં ૧૫ ટકાની વૃદ્ધિ મુજબ ગ્રાન્ટ અાપતી નથી. મેગા સિટીના વિકાસ માટે રાજ્ય સરકારનું યોગદાન મહત્વનું હોવા છતાં કોર્પોરેશનને એક વાર્ષિક બજેટ જેટલી અપૂરતી અાર્થિક મદદ કરાઈ છે! કેમ કે હજુ નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧નું કુલ વાર્ષિક બજેટ જ રૂ. ૪૦૦૦ કરોડથી અોછું એટલે કે રૂ. ૩૭૧૧.૦૦ કરોડનું હતું. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨નું અવાસ્તવિક રૂ. ૪૬૫૧.૦૦ કરોડનું બજેટ રજૂ કરીને પસ્તાયેલા ભાજપના શાસકોઅે તેના પછીના નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩નું સુધારિત બજેટ ઘટાડીને રૂ. ૩૬૪૩.૨૫ કરોડ કર્યું હતું. અામ, હજુ ત્રણ-ચાર વર્ષ પહેલાં જ કોર્પોરેશનના વાર્ષિક બજેટનાં કદ ચાર હજાર કરોડથી નીચે રહેતાં હતાં.

જોકે કોર્પોરેશનના શાસકોની બેદરકારીના કારણે મ્યુનિ. તિજોરીને છેલ્લાં અાઠ વર્ષમાં ૪૦૦૦ કરોડનું નુકસાન થયું છે તે બાબત નિર્વિવાદ છે અને એટલે જ શાસક પક્ષને જંત્રી અાધારિત પ્રોપર્ટી ટેક્સની વસૂલાત જેવા પ્રજા વિરોધી નિર્ણય લેવા પડ્યા છે.

છેલ્લાં અાઠ વર્ષમાં કોર્પોરેશનને અોછી મળેલી ગ્રાન્ટની રકમ
બજેટ                   અોક્ટ્રોયના વિકલ્પે ખરેખર           અોક્ટ્રોયના વિકલ્પે            અોક્ટ્રોયના વિકલ્પે અોછી
વર્ષ                      મળવાપાત્ર ગ્રાન્ટ (કરોડમાં)         મળેલી ગ્રાન્ટ (કરોડમાં)     મળેલ ગ્રાન્ટ (કરોડમાં)
૨૦૦૭-૦૮              રૂ. ૩૦૮.૪                                     રૂ. ૩૦૮.૫૪                         (તા. ૧૫-૧૧-૦૭થી)
૨૦૦૮-૦૯              રૂ. ૯૪૩.૦                                      રૂ. ૮૨૬.૭૧                           રૂ. ૧૧૬.૨૯
૨૦૦૯-૧૦              રૂ. ૧૦૮૪.૦૦                                 રૂ. ૮૨૬.૭૨                           રૂ. ૨૫૭.૨૮
૨૦૧૦-૧૧               રૂ. ૧૧૬૩.૦૦                                   રૂ. ૮૨૬.૭૨                           રૂ. ૩૩૬.૨૮
૨૦૧૧-૧૨                રૂ. ૧૩૩૭.૦૦                                  રૂ. ૮૨૬.૭૦                           રૂ. ૫૧૦.૩૦
૨૦૧૨-૧૩                રૂ. ૧૫૪૧.૦૦                                 રૂ. ૮૨૬.૭૦                           રૂ. ૭૧૪.૩૦
૨૦૧૩-૧૪               રૂ. ૧૭૭૨.૦૦                                  રૂ. ૮૨૬.૬૩                            રૂ. ૯૪૫.૩૭
૨૦૧૪-૧૫              રૂ. ૨૦૩૮.૦૦                                   રૂ. ૯૦૯.૩૭                           રૂ. ૧૧૨૮.૬૩
છેલ્લાં અાઠ વર્ષમાં કુલ અોછી મળેલી ગ્રાન્ટ રૂ. ૪૦૦૮.૬૩

You might also like