AMC ડિમોલિશનઃ મેઘાણીનગરમાં MLA ઓફિસ બહાર ગેરકાયદેસર દબાણ હટાવાયું

અમદાવાદઃ શહેરમાં હાલમાં હાઇકોર્ટનાં આદેશ બાદ પૂરજોશમાં ચારે બાજુ AMC દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ રહેલ છે. ત્યારે મેઘાણીનગર વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓએ ધારાસભ્યનાં કાર્યાલય બહારનું ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓએ ધારાસભ્ય પ્રદીપ પરમારનાં કાર્યાલય બહારનું દબાણ દૂર કરી નાખ્યું હતું.

મહત્વનું છે કે શહેરમાં પાર્કિંગ સામે ચાલી રહેલી આ ઝુંબેશ સતત અવિરતપણે ચાલી રહેલ છે. ત્યારે મેઘાણીનગરમાં અસારવા બેઠકનાં ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારની સાઇડ આવેલ ગેરકાયદેસરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં આજે મેઘાણીનગર, ઢાલગરવાડ, અને પ્રહલાહનગર ગાર્ડન સહિતનાં કેટલાંક વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ પૂરજોશથી ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે રજાનાં દિવસે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની કડક કાર્યવાહી ચાલુ રાખી હતી અને સરખેજમાં 54 જેટલાં ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યાં હતાં. કોર્પોરેશને સરખેજ વોર્ડનાં દબાણોને દૂર કર્યાં હતાં. આ ઉપરાંત રસ્તા પર રખડતા ઢોરોનાં ત્રાસને કારણે પૂર્વ અને દક્ષિણ ઝોનનાં કેટલાંક વિસ્તારોમાંથી ઢોરોને પણ પકડવામાં આવ્યાં હતાં.

You might also like