‘બાપનો બગીચો’ તોડવા મ્યુનિ.ની ટીમ ફરીથી જશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા થલતેજના સિંધુ ભવન રોડના આર-૩ ઝોનના ગેરકાયદે ઊભી થયેલી હોટલ ‘બાપનો બગીચો’ને તોડાતી અટકાવવા માટે કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખ દોડી આવ્યા હતા. આની સાથેસાથે છેક ગાંધીનગરથી તંત્રના અધિકારીઓ ઉપર ફોન આવ્યો હતો. જોકે કોર્પોરેશને આગામી દિવસોમાં બાકી ગેરકાયદે બાંધકામને તોડવા માટે જવાનો નિર્ણય કર્યો છે. ગઇ કાલે સાડા અગિયાર વાગ્યાના સુમારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ‘બાપનો બગીચો’ હોટલને તોડવા માટે ત્રાટકયા હતા. એક જેસીબી, દબાણની ગાડી અને મજૂરોને લઇને આવેલા તંત્ર દ્વારા હુક્કાબાર પ્રકારનું તેમજ ગામડાનો સેટ ધરાવતા બાંધકામને જમીનદોસ્ત કરાયું હતું.

તે વખતે કોંગ્રેસના કોર્પોરેટર શાહનવાઝ તંત્રની કામગીરી રોકવા દોડી આવ્યા હતા તેમજ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ પહોંચી ગયા હતા, જેના કારણે વાતાવરણ તંગ થયું હતું. નવા પશ્ચિમ ઝોનના આસિ. એસ્ટેટ ઓફિસર સરમણ હુણે સ્થિતિને જોતાં પોલીસની મદદ માગી હતી. દરમિયાન છેક ગાંધીનગરથી ઉચ્ચ સ્તરેથી ડિમોલિશન કામગીરી અટકાવવા માટેનો ફોન આવ્યો હતો.

ત્યાર બાદ પોલીસની સલાહથી કોર્પોરેશનની ટીમ પાછી ફરી હતી. આ અંગે સરમણ હુણને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, ”તંત્ર દ્વારા બાપનો બગીચો હોટલના માલિક ભદ્રેશ બારોટને ગત તા.૩૦ જાન્યુઆરી, ર૦૧૬એ બીપીએમસી એકટ ર૬૦ (૧) હેઠળ નોટિસ ફટકારાઇ હતી. ત્યાર બાદ ગત તા.૧૯ ફેબ્રુઆરીએ બીપીએમસી એકટ ર૬૦ (ર)ની નોટિસ ફટકાર્યા બાદ તંત્રએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. દબાણકર્તાએ બાકીનું બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવા એક મહિનાની મુદત માગી છે, જોકે તંત્ર આઠ-દસ દિવસની અંદર પોલીસનો બંદોબસ્ત મેળવીને જેટલું પણ ગેરકાયદે બાંધકામ તોડવાનું બાકી રહ્યું છે તે શેષ બાંધકામને પણ જમીનદોસ્ત કરશે.”

You might also like