કોર્પોરેટરોને અપાયેલાં લેપટોપ પર ઘરે બાળકો ‘ગેમ’ રમે છે!

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં પ્રથમ સો સ્માર્ટ સિટી શહેરોની યાદીમાં બે વર્ષ પહેલાં અમદાવાદનો સમાવેશ કરાયો તેના પહેલાં અમદાવાદ કોર્પોરેશનમાં ઈ-ગવર્નન્સનાં ઢોલ- નગારાં વાગ્યાં હતાં. કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ તંત્રની સેવાઓને આધુનિક ટેકનોલોજી હેઠળ આવરી લેવા કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા.

પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મસ્ટર સ્ટેશન, ઝોનલ ઓફિસ કે કમિશનર સુધીની ઉચ્ચ સ્તરીય રજૂઆતને ‘પેપરલેસ’ કરી શકે તે માટે દસ વર્ષ પહેલાં કમ્પ્યૂટર ફાળવાયાં હતાં. પાછલી બે ટર્મથી કોર્પોરેટરોને મોંઘાદાટ લેપટોપ અપાઈ રહ્યાં છે, પરંતુ આઘાતજનક બાબત એ છે કે મોટા ભાગના કોર્પોરેટરોએ લેપટોપને અંગત સંપત્તિ તરીકે ગણી હોઈ તેમનાં લેપટોપ પર પ્રજાના પ્રશ્નો મંડાતા નથી, પરંતુ ઘરે તેમનાં બાળકો લેપટોપ પર ગેમ રમે છે.

બહુ લાંબા ભૂતકાળમાં ન જઈએ, પરંતુ છેલ્લી ટર્મના કોર્પોરેટરોને એચપી કંપનીનાં લેપટોપ અપાયાં હતાં. આ લેપટોપ પૂર્વ કોર્પોરેટરોને તો ખાસ ઉપયોગી થયાં નહીં, પરંતુ ગત ઓક્ટોબર-૨૦૧૫ની ચૂંટણીમાં હારેલા-જીતેલા કે ટિકિટ ન મેળવી શકેલા તમામે તમામ પ્રજાના પ્રતિનિધિઓએ એચપીનાં લેપટોપ ઘર ભેગાં જ કર્યાં છે. અસિત વોરા જેવા એકાદ-બે અપવાદને છોડતાં અન્ય કોઈએ કોર્પોરેશનની એટલે કે પ્રજાની સંપત્તિને પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ તંત્રની તિજોરીમાં જમા કરાવવાની તસ્દી લીધી નથી.

હાલની ટર્મના 192 કોર્પોરેટરને રૂ.૩૫ હજારની કિંમતનું ડેલ ક્પનીનું લેપટોપ અપાયું છે, ખુદ ભાજપના નેતા, કોંગ્રેસના નેતા, મેયર કે સ્ટેન્ડિંગ ચેરમેન જેવા ઉચ્ચ હોદ્દેદારો પોતાનાં લેપટોપ લઈને કોર્પોરેશન આવતા નથી. તંત્રે ફાળવેલાં લેપટોપના વપરાશ અંગે ભાજપના નેતા બિ‌િપન સિક્કાને પૂછતાં તેઓ કહે છે કે હું કે અન્ય ભાજપના કોર્પોરેટરો લેપટોપનો ઉપયોગ કોર્પોરેશનમાં કરતા નથી, પરંતુ ઘરે ઉપયોગ કરીએ છીએ! કોંગ્રેસના નેતા દિનેશ શર્મા કહે છે, ‘હું લેપટોપ કોર્પોરેશનની ઓફિસમાં લાવતો નથી, પરંતુ ઘરે કેટલાક અધિકારીઓને ઈ-મેઇલ કરીને મારી ફરિયાદ પાઠવું છે, જોકે મ્યુનિસિપલ કોંગ્રેસના કાર્યક્રમોની જાણ ફોન મારફતે જ કરવામાં આવે છે.’ જ્યારે મેયર ગૌતમ શાહ કહે છે, ‘તંત્રે ફાળવેલાં લેપટોપનો ઉપયોગ કોર્પોરેટરો કરે છે, પરંતુ ઓછો-વધતો કરે છે!’ અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને કુલ રૂ.૬૭.૨૦ લાખના ખર્ચે લેપટોપ ખરીદ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like