AMC કોર્પોરેશન પાસે 5000 કરોડની મિલકતોઃ હવે ખાસ પોલિસી ઘડાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરભરમાં અંદાજે રૂ. પાંચ હજાર કરોડની મિલકતો છે. અનેક જગ્યાએ સોનાની લગડી જેવા પ્લોટ છે તો ભાડે અપાયેલી મિલકત પણ છે, જોકે હજુ સુધી તંત્ર દ્વારા પ્લોટ સહિતની મિલકતોની માહિતીનું સુવ્યવસ્થિત સંકલન કરાયું નથી.

અલબત્ત, ભાજપના નવા શાસકોએ ઠેર ઠેર આવેલી તમામ મિલકતોને લગતી વિશેષ એસ્ટેટ પોલિસી ઘડી કાઢવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. અત્યાર સુધી મ્યુનિસિપલ પ્લોટમાં અંધેરગર્દી ચાલતી રહી છે. મ્યુનિસિપલ માલિકીનો કયો પ્લોટ કેટલા ક્ષેત્રફળનો છે, કેવા પ્રકારનાે દબાણગ્રસ્ત છે, પ્લોટ ખુલ્લો છે કે તેની ફરતે ફેન્સિંગ કે કમ્પાઉન્ડ વોલ કરાઈ છે વગેરે બાબતોને અનેક વાર શોધવી પડકારરૂપ બની છે. હમણાંથી પાર્કિંગનો મુદ્દો ખૂબ ચગ્યો છે. આ સંજોગોમાં ટીપી સ્કીમમાં મળેલી સોનાની લગડી જેવી કપાતની જમીનનો હેતુ પણ જાણવો ખૂબ અગત્યનો બન્યો છે.

હાઈકોર્ટના આદેશના પગલે વહીવટીતંત્ર અને શાસક પક્ષમાં ટ્રાફિકના મામલે જાગૃતિ આવી છે. નાગરિકોને પાર્કિંગ માટે વધુ ને વધુ પ્લોટ ફાળવવાની દિશામાં કવાયત શરૂ કરાઈ છે એટલે મ્યુનિસિપલ પ્લોટની સઘળી માહિતી અપડેટ હોવી જરૂરી છે.

બીજી તરફ શહેરભરમાં ભાડે અપાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની દુકાન, દવાખાના સહિતની અેક હજાર જેટલી મિલકત છે, પરંતુ જે તે મિલકતને કયા વર્ષે ભાડાપટ્ટે અપાઈ હતી, તેની મુદત ક્યારે પૂર્ણ થાય છે, કયા હેતુ માટે ભાડે અપાઈ હતી જેવી મહત્ત્વની બાબતો અંગે તંત્ર અંધારામાં છે, જેના કારણે ઘણી વખત લીઝ પૂર્ણ થયાના મહિનાઓ બાદ તેની મુદત વધારાની દરખાસ્ત મુકાય છે.

કોઈ મિલકત દવાખાનાના હેતુથી અપાઈ હોય અને ત્યાં પાર્લર ધમધમતું થઈ જાય તેવાં ઉદાહરણ પણ પ્રકાશમાં આવ્યાં છે. જેના કારણે શાસકો મ્યુનિસિપલ માલિકીના તમામ પ્લોટ અને ભાડે આપેલી મિલકતો સંબંધિત ઝીણામાં ઝીણી વિગત દર્શાવતું સોફ્ટવેર તૈયાર કરવા જઈ રહ્યા છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ વધુમાં કહે છે, ”હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા પ્લોટ અને મિલકતોનો સર્વે ચાલી રહ્યો છે. તેના આધારે સોફ્ટવેર તૈયાર કરીને એસ્ટેટ પોલિસી ઘડી કઢાશે.”

આ ઉપરાંત પાર્કિંગના મુદ્દે ચેરમેન ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, ”બે-ત્રણ દિવસમાં ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરી ખાતે શહેરનાં વેપારી એસોસિયેશન અને નામાંકિત વ્યક્તિઓ સાથે બેઠક કરીને ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ હેતુ તેમનો અભિપ્રાય લેવાશે, જેમાં પાર્કિંગના દરને ઘટાડીને સામાન્ય લોકોને વધુ માફક આવે તેવા કરવા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા હાથ ધરાશે.”

You might also like