મ્યુનિ. કોર્પોરેશને જાહેરાત પાછળ બે વર્ષમાં રૂ.૭.૭૭ કરોડ ખર્ચ્યા!

અમદાવાદ: મેગા સિટી અમદાવાદ શહેરના શાસકોએ અાગામી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ માટે રૂ.૬પપ૧ કરોડનું જંબો બજેટ રજૂ કરીને લોકો સમક્ષ ફરી એક વખત સ્માર્ટ અમદાવાદ, લીવેબલ અમદાવાદ અને લવેબલ અમદાવાદનાં ઢોલ-નગારાં વગાડ્યાં છે, જોકે સામાન્ય નાગરિકોને તો મ્યુનિસિપલ તંત્ર પાણી, ગટર, રસ્તાની સ્માર્ટ સુવિધાઓ આપે તેવી જ ઇચ્છા છે, પરંતુ કરોડો રૂપિયાનું બજેટ ધરાવતા કોર્પોરેશનમાં જાહેરાત પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં જ જાહેરાત પાછળ રૂ.૭.૭૭ કરોડ ખર્ચી કઢાયા હોવાની ખુદ તંત્રએ કબૂલાત કરી છે. સામાન્ય નાગરિકો પળેપળ કોર્પોરેશનમાં ‘નગર’ની એટલે કે નળ, ગટર અને રસ્તાને લગતી નાની-મોટી ફરિયાદોનું સ્માર્ટલી નિરાકરણ આવે તેવું ઇચ્છે છે. તમામ કોર્પોરેટરો તેમજ તંત્રની પણ આ પ્રાથમિક ફરજમાં આવે છે, જોકે લોકોને તો પોતાની ક્ષુલ્લક ફરિયાદો પણ ટલ્લે ચઢતી હોવાનો ડગલે ને પગલે અનુભવ થાય છે. તંત્રમાં ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બન્યો છે. વગદાર વ્યક્તિની ભલામણ વગર રસ્તા પરનું મરેલું ઢોર પણ ઉપાડાતું નથી.

જોકે સત્તાવાળાઓ કહેવાતા વિકાસલક્ષી પ્રોજેક્ટની લોકોપયોગી માહિતીની જાહેરાત કરવામાં શુરાપુરા છે. છાશવારે યોજાતા સરકારી કાર્યક્રમોની પ્રસિદ્ધિના નિતનવા સ્વાંગ રચાય છે. પછી ભલે આવા કાર્યક્રમો અંગે સ્થાનિક લોકોને સુધ્ધાં જાણ ન હોય! વિવિધ વિભાગનાં ટેન્ડરની જાહેરાતના મામલે તો રીતસરની વહાલા-દવલાની ભેદભાવભરી નીતિ અપનાવાય છે. અલબત્ત, આ તમામ પ્રકારની જાહેરાતમાં લાગતા-વળગતાનાં ખિસ્સાં જ ભરાતાં હોવાનું મ્યુનિસિપલ વર્તુળોમાં છડેચોક ચર્ચાય છે. એ વાત જુદી છે કે આટઆટલી ચર્ચા કે વિવાદ બાદ પણ સંબંધિત વિભાગના પેટનું પાણી પણ હાલતું નથી.

છેલ્લાં બે વર્ષ એટલે કે નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬ અને ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ (ફેબ્રુઆરી સુધી)માં વિભિન્ન પ્રકારની જાહેરાત પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી ખર્ચાયેલાં નાણાંની વિગત જોઇશું તો આંખે તમ્મર આવી જશે, કેમ કે ખુદ તંત્ર દ્વારા વર્ષ ર૦૧પ-૧૬માં રૂ.૩,૬૮,૧પ,ર૩૬ અને વર્ષ ર૦૧૬-૧૭ના ફેબ્રુઆરી મહિના સુધીમાં રૂ.૩,૦૮,૯૬,૯૪રનો ખર્ચ કરાયો હોવાની સત્તાવાર કબૂલાત કરાઇ છે.

રામોલ-હાથીજણ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અતુલ પટેલને તંત્ર દ્વારા આ પ્રકારની સત્તાવાર માહિતી અપાઇ હોઇ છેલ્લાં બે વર્ષમાં ફક્ત જાહેરાત પાછળ ખર્ચેલી રૂ.૭.૭૭ કરોડ જેટલી અધધ રકમ ચર્ચાના ચગડોળે ચડી છે.
http://sambhaavnews.com/

You might also like