કોર્પોરેટરો-અધિકારીઓને રૂ.૯પ.૮૧ લાખના ખર્ચે લેપટોપની લહાણી કરાશે!

અમદાવાદ: આપણી વર્તમાન લોકશાહી પ્રથામાં રાજા મહારાજા કે નવાબો તો રહ્યા નથી. પરંતુ જે રીતે પ્રજાના ચૂંટાયેેલા પ્રતિનિધિઓ કે પ્રજાકીય કામોની ફરજ બજાવતા અધિકારીઓને ભરપુર લાડ લડાવવાની દલા તરવાડીનાંરીંગણાં જેવી નવી પ્રથા વિકસી છે. તેમાં જુૂના સમયની રાજાશાહી કે નવાબશાહીની જાણ્યે અજાણ્યે યાદ આવી જ જતી હોય છે. જેનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ લેપટોપની લહાણીએ પૂરું પાડશે. કેમ કે કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ૧૯ર કોર્પોરેટરો અને પ૧ વરિષ્ઠ અધિકારીઓને રૂ.૯પ.૮૧ લાખના ખર્ચે ટૂંક સમયમાં અદ્યતન લેપટોપ પૂરાં પડાશે.

છેલ્લી ર૦૧૦-ર૦૧પની ટર્મના ૧૯ર કોર્પોરેટરો તેમજ અધિકારીઓને લેપટોપ અપાયાં હતાં. પ્રજાકીય કામોમાં ઇ ગવર્નન્સ સિસ્ટમને કોર્પોરેટરો અપનાવશે તેવાં બણગાં તે સમયના તત્કાલીન ભાજપના શાસકોએ ફૂંક્યાં હતાં. જોકે જેમ જૂની ટર્મના કોર્પોરેટરોએ કમ્પ્યૂટર મેળવીને ઘર ભેગાં કર્યાં તેવી જ રીતે છેલ્લી ટર્મના કોર્પોરેટરોએ લેપટોપને પણ ઘરભેગાં કર્યાં કેમ કે લેપટોપ મેળવીને પણ મ્યુનિ. બોર્ડમાં કોર્પોરેટરોએ જે તે મસ્ટર સ્ટેશન પર જે તે ફરિયાદ અંગેની લાલ ચિઠ્ઠીઓ જ બતાડી કે ઉછાળી હતી !

હવે નવી ટર્મના ૧૯ર કોર્પોરેટરો અને પ૧ વરિષ્ઠ અધિકારીઓ અદ્યતન લેપટોપ મેળવશે. જે કોર્પોરેટરો ફરીથી ચૂંટાઇ આવ્યા છે કે જે કોર્પોરેટરો છેલ્લા ચૂંટણી જંગમાં હારી ગયા છે કે જે કોર્પોરેટરોની ટિકિટ કપાઇ હતી તેવા તમામ કોર્પોરેટરોએ જૂનાં લેપટોપ પરત કરવાનાં નથી ! આના બદલે ફરીથી ચૂંટાયેલા ૬૦થી વધુ કોર્પોરેટરો તો બબ્બે લેપટોપના જલસા કરશે !

કોર્પોરેશન દ્વારા હાલની લોકશાહીના નવા રાજા-મહારાજા કે નવાબો માટે પ્રજાના પૈસે પ્રતિ નંગ રૂ.૩૮,૩રપ ની કિંમતમાં અદ્યતન લેપટોપની ખરીદીના ટેન્ડરને મંજૂરી પણ અપાઇ ગઇ છે.  પ્રજાના પૈસાથી આ મહાનુભાવો માટે રૂ.૯પ.૮૧ લાખના ખર્ચે કુલ રપ૦ નંગ અદ્યતન લેપટોપ ખરીદવાની દરખાસ્તને પણ શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી પણ આંખ મીંચીને મંજૂરીની મહોર મારી દેશે!

‘દલા તરવાડીનાં રીંગણાં’ની જેમ જ તંત્રે રૂ.૧૦ હજારની કિંમતનો નવો મોબાઇલ ફોન બાદ હવે કોર્પોરેટરોને એક ખાનગી કંપનીની ૩ જી સેવા માટે રૂ.૩૯૭ના પ્લાનને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત કોર્પોરેટરોને ૩ જી માટે અલાયદું વાઇપોડ અપાશે અને ૪ જી સેવાનો પણ લાભ અપાશે. આની સાથે સાથે આટલી સુખ સુવિધા મેળવીને પણ કેટલાક કોર્પોરેટરો લોકોની સામાન્ય ગટર પાણીની ફરિયાદ અંગે ફોન ઉપાડવાની તસદી પણ લેતા નથી. તો શું આવા કોર્પોરેટરોને જે તે પક્ષના નેતા સ્વસ્થ લોકશાહી માટે જરૂરી એવી શિસ્તના પાઠ ભણાવશે તેવો અણિયાળો પ્રશ્ન પણ જાણકાર વર્તુળોમાં પૂછાઇ રહ્યો છે.

You might also like