કરોડોની મશીનરી ધૂળ ખાય અને કોન્ટ્રાક્ટરોને 20 કરોડની લહાણી!

અમદાવાદ: મેગા સિટી અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનાં શહેરના શાસકો ભલે બણગાં ફૂંકતા હોય, પરંતુ આજે પણ સામાન્ય નાગરિકો વારંવાર ઊભરાતી ગટરથી હેરાન-પરેશાન છે. ગટરની સાફસફાઇ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરાય છે તેમ છતાં લેશમાત્ર અસરકારક પરિણામ મળતું નથી તેનું કારણ કોર્પોરેશનમાં ધોળા દિવસે ચાલતું ડિસિલ્ટિંગ કૌભાંડ છે.

અમદાવાદના કોટ વિસ્તારની ડ્રેનેજ લાઇનો વર્ષોજૂની છે, જેના કારણે પાણીની વહનક્ષમતામાં ઘટાડો થાય છે અને ડ્રેનેજ બે‌િકંગના પ્રશ્નો સર્જાય છે તે વાત સમજાય તેવી છે, પરંતુ શહેરના બોડકદેવ, થલતેજ, વાસણા, પાલડી જેવા વિકસિત વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી ડ્રેનેજ લાઇનનું ડિસિલ્ટિંગ કરાતું હોવા છતાં જો ગટર ઊભરાતી હોય તો તેની પાછળ તંત્રની ભેદી નીતિ-રીતિ જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

પ્રજાના પરસેવાની કમાણીથી તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ ડિસિલ્ટિંગ માટે સુપરસકર જેવા એકથી દોઢ કરોડ રૂપિયાની કિંમતનાં અત્યાધુનિક મશીનો ખરીદાય છે, પરંતુ આ મશીનરી લોકોપયોગી થવાને બદલે કાંકરિયા ખાતે આવેલા કોર્પોરેશનના મેટલ ડેપોમાં ધૂળ ખાતી પડી રહે છે. કોર્પોરેશનની માલિકીના આઠ સુપરસકર મશીન, આઠ જેટિંગ મશીન, છ ગલી એ‌િમ્પયર, હાઇફલો મશીન કમ્બાઇન ઉપરાંત આઠ નાના જેટિંગ મશીન હોવા છતાં પણ મોટા ભાગની મશીનરી મેટલ ડેપોની વખારમાં છે.

બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ ડિસિલ્ટિંગ માટે ખાનગી કોન્ટ્રાકટરોને દર વર્ષે રૂ.ર૦ કરોડનાં કામોની લહાણી કરે છે.  સુપરસકર મશીનની આઠ કલાકની શિફટ માટે ખાનગી કોન્ટ્રાકટરોને રૂ.ર૩,પ૦૦ જેટલી તગડી રકમ ચૂકવાય છે. તેમ છતાં તમામ ઝોનમાં સુપરસકર મશીનની સમયસરની ઉપલબ્ધતા અંગે ખુદ શાસક પક્ષના સભ્યો કકળાટ કરે છે. જો મ્યુનિસિપલ માલિકીના સુપરસકર મશીન હોય તો પણ તંત્ર આઠ કલાકની પ્રતિ શિફટ માટે રૂ.૧ર,૦૦૦ જેટલી રકમ ખર્ચે છે.

કોર્પોરેશન પાસે ૧૦,૦૦૦ સ્કવેર મીટર જમીનમાં ફેલાયેલો વિશાળ સેન્ટ્રલ વર્કશોપ અને તેમાં ઇજનેરો સહિતનો ટેકનિકલ સ્ટાફ ફરજ બજાવતાે હોવા છતાં ખાનગી કોન્ટ્રાકટરોને કમાણી કરાવવા ડિસિલ્ટિંગનાં વાહનોનું બહાર રિપેરિંગ કરાવીને પાછળથી તેને ડમ્પ કરી દેવાય છે. ડિસિલ્ટિંગના કામોના કોન્ટ્રાકટરો સાથે અમદાવાદના ભાજપના એક ધારાસભ્ય પણ સંકળાઇ ચૂકયા છે.

જ્યારે ચૂંટાયેલી પાંખના એક ટોચના હોદ્દેદારના અંગત સગા પણ ડિસિલ્ટિંગનાં કામો લાગવગના જોરથી મેળવીને મ્યુનિસિપલ તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા છે. જો મેટલ ડેપોની મશીનરીનો યોગ્ય ઉપયોગ કરાય તો ડિસિલ્ટિંગનું ખાનગીકરણ જ અટકી જાય, પરંતુ ચૂંટાયેલી પાંખના એક અથવા બીજા પ્રકારના તાણાવાણાથી જ ખાનગી કોન્ટ્રાકટરોને બબ્બેબખ્ખા થઇ રહ્યા છે.

જે તે ડ્રેનેજ લાઇનને શિલ્ટથી ભરી દેવા એક દિવસ ડ્રેનેજ પંપીંગ સ્ટેશનને ઇરાદાપૂર્વક બંધ રખાતાં હોવાના આક્ષેપ પણ અવારનવાર ઊઠતા આવ્યા છે. મ્યુનિસિપલ બોર્ડમાં પણ ડિસિલ્ટિંગના કામો પ્રત્યે ભાજપના સભ્યો રોષ વ્યકત કરી ચૂકયા છે. દરમિયાન છેલ્લે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ખુદ ચેરમેન પ્રવીણ પટેલે મેટલ ડેપોમાં પડી રહેલી ડિસિલ્ટિંગની મશીનરી અંગે તંત્ર પર પસ્તાળ પાડી હતી.

ચેરમેન પટેલે આ મશીનરીનો વ્યવસ્થિત ઉપયોગ કરવાની સંબંધિત અધિકારીઓને કડક તાકીદ કરતાં ઠંડીના દિવસોમાં અધિકારીઓને પરસેવો છૂટી વળ્યો હતો. ચેરમેનની લાલ આંખના પગલે અધિકારીઓ દોડતા થઇ ગયા હોઇ આગામી વોટર સપ્લાય કમિટીમાં ડિસિલ્ટિંગના કામોના ટેન્ડર મંજૂરી માટે મુકાવાના છે. દરમિયાન વિપક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા બદરુદ્દીન શેખે ડિસિલ્ટિંગના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોઇ આ બાબતે તપાસ કરાવવાની લેખિતમાં માગણી મેયર ગૌતમ શાહ સમક્ષ કરી છે.
http://sambhaavnews.com/

You might also like