મ્યુનિ.ની ‘ભૂલ’થી આનંદીબહેનનો સમગ્ર કાર્યક્રમ બદલવો પડ્યો !

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના અણધડ વહીવટનો ભોગ સામાન્ય નાગરિકો તો ડગલે અને પગલે બનતા આવ્યા છે, પરંતુ કેટલીક વખત તંત્રના બિનજવાબદાર અધિકારીઓ એવી ભૂલ કે છબરડા કરે છે કે વીવીઆઈપી વ્યક્તિઓની હાલત કફોડી થાય. સત્તાવાળાઓની આવી જ ‘ભૂલ’ના કારણે ખુદ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને પોતાનો સમગ્ર કાર્યક્રમ બદલવાની ફરજ પડી છે.

દર મહિને લાખ રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ પાસે પ્રજાનું માનસ પારખવાની નાડ નથી, તેનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ મક્તમપુરાના વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશને પૂરું પાડ્યું છે. આ વોર્ડના એકતા મેદાન ખાતે તૈયાર કરવામાં આવેલા મુસ્કાન વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનનું લોકાર્પણ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે આવતી કાલે થવાનું છે.

પરંતુ તંત્રના બાહોશ અધિકારીઓએ મક્તમપુરા જેવા ૯૫ ટકા લઘુમતી સમાજની વસતી ધરાવતા વોર્ડમાં લોકાર્પણનો સમય સાંજનો ૬.૫૦ વાગ્યાનો રાખ્યો કે જે રોજા ખોલવાનો સમય છે! એટલે સ્વાભાવિકપણે સ્થાનિક કોર્પોરેટર હાજી અસરાર બેગ સહિતના રહેવાસીઓએ છેક મેયર ગૌતમ શાહ અને કમિશનર ડી. થારા સુધી ઉગ્ર રજૂઆત કરી કે “સાહેબ, રોજા ખોલવાના સમયે કેટલા લોકો મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહી શકશે? આ સમય બદલાવો નહીંતર કાર્યક્રમ નિષ્ફળ જશે.”

આને પગલે કોર્પોરેશન હરકતમાં આવી ગયું. અધિકારીઓએ છબરડો કર્યો હોવાથી વાકેફ થઈને છેક ગાંધીનગર મુખ્યપ્રધાન કાર્યાલય સુધી આનંદીબહેનના કાર્યક્રમમાં ફેરફાર કરવાની રજૂઆત કરાઈ. મુખ્યપ્રધાન કાર્યાલય પણ સમગ્ર સ્થિતિથી અવગત થયા બાદ કાર્યક્રમમાં ફેરફાર કરવા સંમત થયું આનંદીબહેનની અમરાઈવાડી ખાતેની જાહેરસભા જે સાંજે ૫.૩૦ વાગ્યે હતી તેનો સમય બદલીને એક કલાક મોડો કરાયો અને મકતમપુરાનો જે લોકાર્પણનો કાર્યક્રમ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની યાદીમાં સૌથી છેલ્લો હતો તે ફટાફટ સૌથી પહેલો બની ગયો! જોકે સત્તાવાળાઓએ તો રાબેતા મુજબ શુક્રવારના આનંદીબહેનના કાર્યક્રમોની નિમંત્રણ પત્રિકા છપાવી દીધી હતી. મુખ્યપ્રધાનના કાર્યક્રમની રૂપરેખાની નવી યાદી બનાવવી પડી. જેને નિમંત્રણ પત્રિકા સાથે બિડવામાં આવી રહી છે.

You might also like