અમદાવાદ મ્યુનિ. કોર્પો.નું રૂ.૬પપ૧ કરોડનું બજેટ મંજુર

અમદાવાદ: અમદાવાદની સાઠ લાખની વસ્તીમાં ૩૪ લાખ વાહનો હોઇ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. બીજી તરફ જાહેર પરિવહન સેવાનો ફાળો અન્ય શહેરોની તુલનામાં ફક્ત ૩ર ટકા છે અને તે પણ ઘટવાની તરફ જઇ રહ્યો હોઇ ચિંતાતુર બનેલા ભાજપના શાસકોએ આગામી નાણાકી વર્ષ ર૦૧૭-૧૮ના પોતાના સુધારિત બજેટમાં શહેરીજનોને નવા છ ફલાય ઓવર-બ્રિજ-અંડરપાસની ભેટ આપી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ દ્વારા આજે સવારે રૂ.૬પપ૧ કરોડનું સુધારિત બજેટ રજૂ કરાયું હતું. પ્રવીણ પટેલના સુધારિત બજેટમાં ‘સ્માર્ટ અમદાવાદ, લિવેબલ અમદાવાદ અને લવેબલ અમદાવાદ’ પર ભાર મુકાયો છે. ચાલુ નાણાકીય વર્ષનું રૂ.૬૦૮૦ કરોડનું સુધારિત બજેટ રજૂ કરનાર સ્ટેન્ડિંગ ચેરમેન પટેલના આગામી નાણાકીય વર્ષમાં રૂ.૩૩૧૦ કરોડની જંગી રકમ વિકાસ કામો પાછળ ખર્ચવાની હોઇ આ એક પ્રકારે ચૂંટણીલક્ષી બજેટ પણ બન્યું છે.
મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારના રૂ.૬૧૦૧ કરોડના ડ્રાફટ બજેટમાં સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા અંદાજિત રૂ.૪પ૦ કરોડનો વધારો કરાયો છે. પ્રવીણ પટેલ દ્વારા ઓઢવ રાજેન્દ્ર પાર્ક, કેડિલા બ્રિજ અને અંબિકા મિલ ખાતે નવા ફલાય ઓવરબ્રિજ, ચાંદલોડિયા રેલવે ક્રોસિંગ પાસે અંડરપાસ અને સોલા બ્રિજ પાસેના નાળા પાસે મિની અંડરપાસ અને નારણપુરાના પલ્લવ ચાર રસ્તા ખાતે ફલાયઓવર બ્રિજનો ફિજિબિલિટી રિપોર્ટ એમ કુલ ચાર નવા ઓવરબ્રિજ અને બે અંડરપાસના નિર્માણની જાહેરાત કરાઇ છે.

શિવરંજની, સીટીએમ, બાપુનગર ગોતા અને આઇટીઆઇ એમ પાંચ બ્રિજને સુશોભિત કરવા, મેયર ક્રિકેટ પ્રિમિયમ લીગ (એમપીએલ)નું ગઠન, દિવ્યાંગ બાળકો માટે ક્રીડોત્સવ, મ્યુ. કર્મચારીઓના મેડિકલ એએમસી મેટ અભ્યાસ કરતાં બાળકોને સ્કોલરશિપ, મ્યુનિસિપલ મિલકતોનું ડેવલપમેન્ટ એક લાખ સ્ટ્રીટલાઇટનું જીઆઇએસ મેપિંગ, જૂનાં મકાનો તેના સ્થાપત્યના રક્ષણ માટેનું હેરિટેજ સેન્ટર જેવા પ્રોજેકટનો સ્ટેન્ડિંગ ચેરમેન પટેલના સુધારિત બજેટમાં સમાવેશ કરાયો છે.

પોતાના સુધારિત બજેટમાં પ્રવીણ પટેલે પાણી માટે દશ કરોડ, રોડ માટે વીસ કરોડ, હોલ માટે દશ કરોડ ફાળવ્યા છે. ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે ઓટોમેટેડ પાર્કિંગ સિસ્ટમ (એપીએસ) પર ભાર મૂક્યો છે. સાઠ કિમીના રસ્તાને વોલ ટુ વોલ કરવા ઉપરાંત સૌર ઊર્જાને પ્રોત્સાહિત કરવા બજેટમાં પાંચ કરોડ ફાળવ્યા છે. રખડતાં પશુઓ માટે એનિમલ હોસ્ટેલની જાહેરાત કરાઇ છે.

દિનદયાળ સેવા વસ્તી ક્લિનિક, જેનરિક દવા માટેના શહેરમાં વધુ પાંચ સ્ટોર, નિકોલની મેગાપાઇપ લાઇનને શહેરની હદ બહાર ખસેડવી, કાંકરિયા લેકફ્રન્ટના નિર્માણના આગામી વર્ષે દશાબ્દી વર્ષની ઉજવણી પેટે કમિશનર મૂકેશકુમારે ફાળવેલી રૂ. પાંચ કરોડની રકમમાં વધુ બે કરોડની વૃદ્ધિ, કોર્પોરેટરના વાર્ષિક બજેટમાં પાંચ લાખની વૃદ્ધિ કરીને રૂ. ૨૨ લાખ, ટ્રાફિક એડ્વાઇઝરી કમિટી, ટ્રાફિક સર્કલ, સિગ્નલ માટે કુલ રૂ. ૧૩.૫૦ કરોડની જોગવાઇ, ટ્રાફિક સર્કલ વિકાસ, સીસીટીવી કેમેરા વગેરેનો સમાવેશ કરાયો છે. ૨૦૦ ફૂટ કરતા વધુ ઊંચાઇ પર રાષ્ટ્રધ્વજ સાથે વંદે માતરમ્ સ્ક્વેર પ્રોજેક્ટની પણ જાહેરાત કરાઇ છે.

ખાસ તો વરિષ્ઠ નાગરિકોને પ્રોત્સાહિત કરવા પ્રવીણ પટેલે સિનિયર સિટીજન ટ્રાફિક કાઉન્સિલ ગઠનની જાહેરાત કરી છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકોનું ટ્રાફિક સેવામાં યથાયોગ્ય યોગદાન લેવાશે. એકંદરે શહેરના શાસકોએ આજે ફૂલગુલાબી બજેટ રજૂ કરીને નાગરિકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like