મ્યુનિ.ની બજેટ બેઠકમાં ખાણી-પીણી પાછળ સાત લાખ ખર્ચાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું ભાજપનું શાસકોના આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭નું રૂ. ૬૦૮૦ કરોડનું સુધારિત બજેટ સહિતના કોર્પોરેશનની સંલગ્ન સંસ્થાઓ એએમટીએસ, એમ.જે. લાઇબ્રેરી, વી.એસ. હોસ્પિટલ અને સ્કૂલબોર્ડનું સુધારિત બજેટ આવતી કાલથી ખમાસા-દાણાપીઠના મુખ્યાલયમાં યોજાનારી બે દિવસીય બજેટ બેઠકમાં રજૂ કરાશે. આ બે દિવસીય બજેટ બેઠક સવારના દસ વાગ્યાથી મોડી સાંજ સુધી ચાલશે, જેમાં આશરે રૂ.સાત લાખની ખાણી-પીણીની જ્યાફત ઊડશે.

કોર્પોરેશનની બજેટ બેઠકમાં તમામે તમામ ૧૯૨ કોર્પોરેટરો હાજર રહેશે. મ્યુનિ. કમિશનર ડી. થારા, ડેપ્યુટી મ્યુનિ. કમિશનરો આઈ.કે. પટેલ, દેવાંગ દેસાઈ, આર્જવ શાહ, કે.એલ. બચાણી, સિદ્ધાર્થ ખત્રી, સી.આર. ખરસાણ, આર.બી. બારડ, તમામ આસિ. કમિશનરો, વિભાગના વડાઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ બજેટ બેઠકમાં હાજરી આપશે. આ તમામ મહાનુભાવોને સવારે ગરમાગરમ ચો-કોફી અને ઈડલી સંભાર, બટાકાપૌંઆ અને સેન્ડ‌િવચનો સ્વાદિષ્ટ નાસ્તો પીરસાશે તેમજ સવાર અને સાંજના ભોજનમાં બજેટ બેઠક દરમિયાન ગરમાગરમ હલવા સહિતનાં પંજાબી વ્યંજનો પીરસાશે. આ માટે સત્તાવાળાઓએ ગત વર્ષના કોન્ટ્રાક્ટર નરેન્દ્ર પુરોહિત ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ કોન્ટ્રાક્ટરને પ્રત્યેક ડિશ દીઠ રૂ.૪૦૦ ચૂકવાશે. સવારની ૯૦૦ ‌િડશ અને સાંજની ૯૦૦ ‌િડશ પ્રમાણે દરરોજ કુલ ૧૮૦૦ ‌િડશનો ઓર્ડર કોન્ટ્રાકટર નરેન્દ્ર પુરોહિતને અપાયો છે.

જોકે દર વર્ષની જેમ આ વખતે પણ બજેટ બેઠકના નાસ્તા-ભોજનની ગુણવત્તાનો વિષય ચર્ચાસ્પદ બનશે. આ ઉપરાંત તંત્રે ફરીથી ગત વર્ષના કોન્ટ્રાક્ટરને જ બજેટ બેઠકનો કોન્ટ્રાક્ટ આપતાં આ બાબતે પણ છૂપો ગણગણાટ જોવા મળ્યો છે. ખુદ ભાજપના કેટલાક કોર્પોરેટરોમાં આ બાબતનો વિરોધ છે.

You might also like