તમારા ઘરે અાવીને મ્યુનિ. કર્મચારી મફત છોડ વાવી જશે

અમદાવાદ: અમદાવાદીઓ માટે અત્યારે તો કાળઝાળ ઉનાળો ભૂલ્યો ભુલાશે નહીં તેવો રહ્યો છે. લોકોને પર્યાવરણની ખાનાખરાબીથી આકરો તાપ સહેવાના દિવસો આવ્યા તેવું વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયામાં વૃક્ષો બચાવવાને લગતા સંદેશ ફરતા થઇ ગયા છે. અમદાવાદીઓના ઘર આંગણે વૃક્ષોને લાડકોડ કરવાની સોનેરી તક આવીને ઊભી રહેશે. આગામી ચોમાસાના સંદર્ભમાં કોર્પોરેશનના બાગ-બગીચા વિભાગની ટીમ તમારા ઘરે આવી તમને મનપસંદ છોડના રોપા વાવી જશે.

‘તેં કાપી હતી એ ડાળી યાદ કર બકા, ને ઉઠાવી હતી. કોદાળી યાદ કર બકા, હવે ગરમીએ કરી અડધી સદી ત્યારે વૃક્ષોની કરી હતી હોળી યાદ કર બકા’ જેવા વોટ્સએપના સંદેશથી વૃક્ષોને આડેધડ કાપવા બદલ ઊંડા દુઃખની લાગણી વ્યકત કરનારા શહેરીજનો માટે મ્યુનિ. બાગ-બગીચા વિભાગ સારા સમાચાર લઇને આવ્યો છે.

આગામી તા.પ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મ્યુનિ. બાગ-બગીચા વિભાગ દ્વારા ‘મફત વૃક્ષારોપણ’ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરાશે. મેયર ગૌતમ શાહના હસ્તે તે દિવસે ‘મફત વૃક્ષારોપણ’ કરાવવા માટેના તંત્રના બે નવા નંબરની વિધિવત્ જાહેરાત કરાશે. મેયર દ્વારા જાહેર થનારા બંને નંબર પર પ્રત્યેક પર્યાવરણ પ્રેમી અમદાવાદી એસએમએસ કરીને મ્યુનિ. બાગ-બગીચા વિભાગને પોતાને ગમતા છોડના રોપા રોપવા અંગે સૂચના આપશે. જેના આધારે બાગ-બગીચા વિભાગની ટીમ અમદાવાદીના ઘરે આવીને તેને ગમતા છોડના રોપાને વાવવા આપશે.

આમ તો મ્યુનિ. બાગ બગીચા વિભાગની ‘મફત વૃક્ષારોપણ’ની આ યોજના સાવ નવી નથી, પરંતુ આ વખતે ઉનાળામાં ભીષણ ગરમીથી દાઝેલા નાગરિકોમાં વૃક્ષોનું જતન કરવાનો સુવર્ણ અવસર ઘરઆંગણે આવી પહોંચવાનો છે.

અમદાવાદને હરિયાળું બનાવીને ત્વચાને દઝાડતી ગરમી સામે રાહત ઇચ્છતા નાગરિકો ઘરઆંગણે ગુલમોર, આસોપાલવ, પીપળો, સપ્તપર્ણી, વડ, કણજી, પેલ્ટોફોરમ, કાંચનાર, બોરસલી જેવાં વિવિધ વૃક્ષોને ઉછેરી શકશે. કોર્પોરેશન આ માટે નાગરિકોને સતત માર્ગદર્શન પણ પૂરું પાડશે.

જાન્યુઆરી ર૦૧૬ના રેન્ડમ સર્વેમાં ૬૦ ટકા જૂના રોપા જીવિત હતા
ગત ચોમાસા દરમિયાનના ‘મફત વૃક્ષારોપણ’ના અભિયાન હેઠળ કોર્પોરેશને વાવેલા ૩પ,૦૦૦ રોપાઓનો જાન્યુઆરી ર૦૧૬માં રેન્ડમ સર્વે કરાયો હતો. જેમાં ૬૦ ટકા રોપાઓ જીવિત હોવાનો તંત્રનો દાવો છે.

You might also like