એમ્બ્યુલન્સ નહિ મળતાં પિતાના મૃતદેહને બાઈક પર લઈ જવો પડ્યો

રાયપુર: છત્તીસગઢના કાંકેર જિલ્લાના ઈરપાનાર વિસ્તારમાં ફરી એક વાર માનવતાને નેવે મૂકે તેવી ઘટના બહાર આવી છે. જેમાં એમ્બ્યુલન્સ નહિ મળતાં એક પુત્રને તેના પિતાના મૃતદેહને બાઈક સાથે બાંધી 22 કિમી સુધી લઈ જવાની ફરજ પડી હતી.

ઈરપાનાર વિસ્તારના 78 વર્ષીય મહાદેવ મંડલે આપઘાત કરી લીધો હતો. જે અંગે તેમના પુત્ર અમલ મંડલે પોલીસમાં જાણ કરી હતી. તેથી તેના પિતાના મૃતદેહના પીએમ માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા પોલીસે જણાવ્યું હતું. મૃતદેહને લઈ જવા માટે અમલે એમ્બ્યુલન્સની તપાસ કરી હતી પરંતુ તેને આવી સુવિધા નહિ મળતાં તેણે કેટલાક ખાનગી વાહનોવા‍ળાનો સંપર્ક કર્યો હતો પણ તેની પણ વ્યવસ્થા નહિ થતાં આખરે મજબૂર થઈને તેને તેના પિતાનો મૃતદેહ બાઈક સાથે બાંધીને 22 કિમી દૂર આવેલા આરોગ્ય કેન્દ્ર સુધી લઈ જવાની ફરજ પડી હતી. જોકે પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલ તરફથી તેને વાહનની સુવિધા મળી હતી. જોકે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ જતાં આ બાબતે અનેક લોકોએ ભારે દુખ વ્યકત કર્યું હતું.

આ અગાઉ ઓડિશાના કાલાહાંડીમાં આદિવાસી દાના માંઝીને પણ તેની પત્નીના મૃતદેહને ખભા પર લટકાવી 10 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું હતું. દાના માંઝીને પણ એમ્બ્યુલન્સની સુવિધા મળી ન હતી. તે ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી.

http://sambhaavnews.com/

You might also like