આંબેડકર બ્રિજ પર બપોરે DPS સ્કૂલનાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે દીલ્હી પબ્લિક સ્કૂલમાં ધો. ૧૦માં અભ્યાસ કરતાં અને દાણીલીમડામાં રહેતા ૧૫ વર્ષીય વિદ્યાર્થીએ આજે બપોરે આંબેડકરબ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. પરીક્ષાના ડરથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોઈ શકે તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આત્મહત્યાનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફાયરબ્રિગેડની ટીમને આજે સાંજે મેસેજ મળ્યો હતો કે દાણીલીમડાનાં આંબેડકર બ્રિજ પરથી એક વિદ્યાર્થીએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે. જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક દોડી જઈ વિદ્યાર્થીની લાશને બહાર કાઢી હતી. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં મૃતક વિદ્યાર્થીનું નામ અદનાન સલીમભાઈ સ્વાની (ઊં.વ.૧૫) (રહે. લિફટનપાર્ક, દાણીલીમડા) હોવાનું જાણવા મળ્યું હતું.

સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે મૃતક અદનાનના પિતા ધંધો કરે છે અને અદનાન બોપલની ડીપીએસ સ્કૂલમાં ભણતો હતો. અદનાન ડીપીએસ સ્કૂલની બસમાં જ આવતો જતો હતો. આજે બપોરે તેણે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. જો કે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ધો. ૧૦ની પરીક્ષા નજીક હોઈ તેના ડરથી તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હાલ આત્મહત્યાનું સાચું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યાં છે.

You might also like