અનામત અંગેના ઉચ્ચારણો મુદ્દે સુમિત્રા મહાજનની સ્પષ્ટતા

ગાંધીનગર: આંબેડકરે દસ વર્ષ માટે આરક્ષણનું કહ્યું હતું પરંતુ હજુ સુધી આપણે જાતિપ્રથાને હટાવી શક્યા નથી તે કમનસીબી છે તેવું લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજને સ્માર્ટ સિટી અંગેના સેમિનારમાં નિવેદન કર્યા બાદ ગાંધીનગર ખાતેની પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે મારો મતલબ હતો કે યોજના અમલમાં મૂક્યા બાદ આપણે તેના વેલ્યુએશનની ચર્ચા કરતાં નથી અથવા તો ચર્ચા કરવાથી ગભરાઈએ છીએ. જો વેલ્યુએશન કરાય તો આ કાર્યક્રમમાં કેટલી ખામી રહી છે તે જાણીને તેમાં સુધારો કરી શકાય.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા આજે અમદાવાદ ખાતે સ્માર્ટ સિટી-એ રોડ એહેડ અંગે એક સેમિનારનું આયોજન કરાયું હતું. જેનું ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજનના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સુમિત્રા મહાજને સ્માર્ટ સિટીના મુદ્દે વિયેતનામનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે વિયેતનામ લડાઈ માટે પંકાયેલું હતું પરંતુ છેલ્લા રપ વર્ષમાં તેણે લડાઈને બાજુ પર મૂકીને વિકાસની દિશામાં આગળ વધ્યું છે.

જ્યારે આપણે આંબેડકર દ્વારા ૧૦ વર્ષ માટે આરક્ષણ મૂક્યું હતું. આમ છતાં આપણે જાતિપ્રથાને હટાવી શક્યા નથી, તેમાં હું પણ જવાબદાર છું કારણ કે આ માટે આપણે કોઈ નિર્ણય કરતાં નથી. તેમના આ નિવેદનથી ચકચાર મચી હતી.જો કે સાંજે ગાંધીનગર ખાતે ઓલ ઈન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સના સમાપન બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં આરક્ષણના મામલે કરાયેલા નિવેદન અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજને ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી અંગેના સેમિનારમાં આરક્ષણ અંગેનું નિવેદન આપણી યોજનાઓને અનુલક્ષીને હતું.

જેમાં શહેરોના વિકાસને અનુલક્ષીને જણાવ્યું હતું કે આપણે માત્ર ઈતિહાસને ધ્યાનમાં રાખીએ છીએ. પરંતુ તેમાંથી શીખ લઈને આગળ વધતાં નથી. જેથી મેં વિયેતનામનું ઉદાહરણ આપી જણાવ્યું હતું કે એક સમયે વિયેતનામ લડાઈ માટે પંકાયેલું હતું. આજે રપ વર્ષમાં કેટલો વિકાસ કર્યો છે તેની માહિતી આપી જણાવ્યું હતું કે આપણે ત્યાં સ્માર્ટ સિટી મિશન જેવી અનેક વિધ યોજનાઓ અમલી બનાવવામાં આવે છે. પરંતુ આ યોજનાઓ અંગે કોઈ વેલ્યુએશન કરાતું નથી. ડૉ. આંબેડકરે દેશમાં ૧૦ વર્ષ માટે આરક્ષણ આપ્યું હતું.

જે આજ દિન સુધી યથાવત છે. કોઈ આંબેડકરની કલ્પના સુધી પહોંચી શક્યા નથી. કારણ કે આરક્ષણ માટે દર દસ વર્ષે દરેક પક્ષના લોકોની બેઠક યોજાય છે પરંતુ તેનું વેલ્યુએશન ચર્ચા કરતાં નથી અથવા તો ચર્ચા કરવાથી ગભરાઈને વધુ દસ વર્ષની મુદત લંબાવે જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ યોજના અમલી બનાવવામાં આવે તેનું સમયાંતરે વેલ્યુએશન કરવું જોઈએ.

You might also like