મા આરાસુરી અંબાજી

આ સચરાચર જગત શકિત વિના સ્થિર નથી. સમસ્ત બ્રહ્માંડનું સર્જન, પાલન તથા વિસર્જન બ્રહ્માંડમાં ઉપસ્થિત ત્રણ અયોનિ જન્મા બ્રહ્મા, વિષ્ણુ મહેશ કરે છે. બ્રહ્માનું કાર્ય સર્જન કરવાનું છે. ભગવાન વિષ્ણુનુંં કાર્ય જગત માત્રના જીવનંું પાલન કરવાનું છે. જ્યારે ભગવાન શિવનું કાર્ય જીવ માત્રનો સંહાર કરવાનું છે. શકિત વગર સૃષ્ટિ પાંગળી બની જાય છે. આવો સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરનાર તથા તેમાં પ્રાણ પુરનાર મહાન શકિત અર્થાત માા જગદંબાના મંદિર વિશે જાણીએ. તેમના મહાત્મ્યને પિછાણીએ.

માઉન્ટ આબુથી પાછા આબુરોડ આવવું જોઇએ. યાત્રાળુઓ અહીં રાત રોકાઇને સવારે આરાસુર જાય છે. અહીંથી આરાસુર લગભગ ર૪ માઇલ થાય છે. અહીંથી બસ તેમજ ભાડાનાં વાહનો સહેલાઇથી મળી રહે છે. અહીં યાત્રાળુઓને રહેવા માટે જુદી જુદી જ્ઞાતિઓની ઘણી જ ધર્મશાળાઓ છે. અતિથિગૃહ અને હોટલ પણ છે.

આરાસુરમાં અંબાજીનું ઘણું જ પ્રખ્યાત મંદિર આવેલું છે. આ મંદિર સમુદ્રની સપાટીથી ૪૮૦ મીટરની ઊંચાઇએ આવેલું છે. એને આરાસુરી અંબા પણ કહે છે. પહેલાં અહીં નાનું મંદિર હતું, પરંતુ હવે અહીં નવું વિશાળ ૧૦૪ ફૂટ ઊંચું મંદિર બનાવાયું છે. અહીં તા.૧૭-૦ર-૧૯૯૪ના રોજ સહસ્ત્રચંડી યજ્ઞ થયો હતો અને ત્યાર પછી તા.ર૧-૦ર-૧૯૯૪ના રોજ આ નવું મંદિર ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મંદિરના શિખર ઉપર સાત ફૂટ ઊંચો અને ચાર ફૂટનો ઘેરાવો ધરાવતો આશરે ૪,૦૦૦ કિલો વજનવાળો આરસપહાણનો કળશ છે. એના ઉપર આશરે રપ૦ કિલો તાંબાનું પતરું ચઢાવવામાં આવ્યું છે. આ મંદિરમાં કોઇ મૂર્તિ નથી, પરંતુ એક ગોખલામાં ચૂંદડી અને વસ્ત્રાલંકારો એવી રીતે ગોઠવવામાં આવે છે કે સિંહ ઉપર બેઠેલાં અંબા મા લાગે.

મંદિરની નજીક માનસરોવર નામનું તળાવ છે. નવરાત્રિ તેમજ દર પૂનમે અહીં ઘણા યાત્રાળુઓ દર્શને આવે છે. આરાસુરથી લગભગ ત્રણ માઇલ દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંના પર્વતના ગોમુખમાંથી સરસ્વતી નદી નીકળીને એક કુંડમાં પડે છે. કુંડમાંથી નદીની ધારા આગળ જાય છે. આરાસુરથી લગભગ બે માઇલ દૂર કોટેશ્વર જવાના રસ્તે કુંભારિયા નામનું ગામ આવેલું છે. વિમલ શાહે અહીં પાંચ જૈન મંદિર બનાવ્યાં છે. અહીંની કોતરણી ઉત્તમ છે. આરાસુરથી લગભગ ત્રણ માઇલ દૂર ગબ્બર નામનો પર્વત છે. આ પર્વત વચમાંથી કપાઇ ગયેલો છે. આરાસુરી અંબાનું મૂળ સ્થાન આ પર્વત પર છે. એવું માનવામાં આવે છે કે અહીંના ગબ્બરનું ચડાણ ખૂબ જ કપરું છે. છતાં પણ યાત્રાળુઓ ત્યાં જાય છે. પર્વત ઉપર ચડતી વખતે રસ્તામાં શિલામાંથી બનાવેલી દેવીની મૂર્તિ આવે છે. ગબ્બરના પર્વતના શિખર ઉપર ભગવતીની પ્રતિમા છે. એની નજીક જ પારસ-મણિ નામનો પીપળો છે. આ પીપળાને પવિત્ર માનવામાં આવે છે.

ગબ્બર પર્વત પર દર્શન કરીને સાંજ પડતાં પહેલાં નીચે ઊતરી જવું પડે છે. કારણ કે રાત્રે અહીં જંગલી પશુઓની બીક રહે છે. જગત જનની મા અંબા ગબ્બરના ગોખમાં બેઠી બેઠી સકળ સૃ‌ષ્ટિનું સંચાલન કરે છે. મા અંબાના શરણે થનારા સદાય સુખ થયા કરે છે. જ્યારે જ્યારે સૃષ્ટિ ઉપર આધિ, વ્યાધિ, ઉપાધિ આવે છે ત્યારે ત્યારે જગત જનની મા અંબા જીવ માત્રનું કલ્યાણ કરવાના હેતુથી જીવને પડખે રહે છે. એક વખત તમે સાચી શ્રદ્ધાથી મા અંબાને પોકારો. જુઓ તમારાં કામ કેટલી ત્વરાથી પૂર્ણ થાય છે. જરૂર છે ફકત માને શ્રદ્ધાથી પોકારવાની. કેટલાક શ્રદ્ધાળુઓ પોતાના પુત્રની બાબરી ઊતરાવવા પણ મા અંબાજીના ખોળે આવે છે.

You might also like