અંબાજી નજીક એસટી બસ પલટી ખાઇ ગઈઃ ૩પ મુસાફરનો આબાદ બચાવ

અમદાવાદ: યાત્રાધામ અંબાજીથી દાંતા તરફ જઇ રહેલી એસટી બસ અંબાજી નજીક જ ઢાળમાં પલટી ખાઇ ગઇ હતી. જોકે બસમાં બેઠેલા તમામ મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો અને જાનહાનિ ટળી હતી. આ અંગેની વિગત એવી છે કે અંબાજી ડીસા રૂટની બસ બપોરે અંબાજીથી નીકળી દાંતા તરફ જઇ રહી હતી ત્યારે અંબાજીના ઢાળમાં જ બસમાં યાંત્રિક ખામી સર્જાતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રેલિંગ તોડી ઝાડ સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. બસ પલટી ખાતાં જ બસમાં બેઠેલા મુુસાફરોએ ચીસાચીસ અને બુમાબુમ કરી મૂકતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. બુમાબુમના કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ઘટનામાં છ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતાં તમામને અંબાજીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સદ્નસીબે બસમાં બેઠેલા તમામ મુસાફરોનો બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એસટીના સત્તાવાળાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

You might also like