એમેઝોનના CEO બેજોસ આધુનિક ઈતિહાસના સૌથી ધનાઢ્ય વ્યક્તિ

નવી દિલ્હી: એમેઝોન ડોટ કોમ ઈન્ક.ના સંસ્થાપક જેફ બેજોસ આધુનિક ઈતિહાસના સૌથી અમીર અને ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમની કુલ સંપત્તિ ૧૫૦ અબજ ડોલરને વટાવી ગઈ છે.

દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના સહસંસ્થાપક બિલ ગેટ્સથી તેમની સંપત્તિ ૫૫ અબજ ડોલર વધુ છે. બ્લૂમબર્ગ બિલિયોનિયર્સ ઈન્ડેક્સ અનુસાર ૫૪ વર્ષની વયે જેફ બેજોસ આગળ નીકળી ગયા છે.

બિલ ગેટ્સની સંપત્તિ વર્ષ ૧૯૯૯માં થોડા સમય માટે ૧૦૦ અબજ ડોલરના આંકડાને વટાવી ગઈ હતી. જો તેને મોંઘવારીના આંક સાથે મેચ કરીને જોવામાં આવે તો તેમની સંપત્તિ ૧૪૯ અબજ ડોલર હશે. આ રીતે એમેઝોનના સીઈઓ જેફ બેજોસ ઓછામાં ઓછા ૧૯૮૨થી અત્યાર સુધીના ઈતિહાસમાં દુનિયાના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે.

૧૯૮૨થી ફોર્બ્સે દર વર્ષે ધનાઢ્ય લોકોની યાદી પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું હતું. બ્લૂમબર્ગ ઈન્ડેક્સ અનુસાર જેફ બેજોસ બાદ બિલ ગેટ્સ ૯૫.૫ અબજ ડોલર સાથે બીજા ક્રમે અને વોરેન બફેટ ૮૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે, જોકે એ પણ હકીકત છે કે બિલ ગેટ્સે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાન કર્યો ન હોત તો તેમની સંપત્તિ પણ ૧૫૦ અબજ ડોલરથી વધુ હોત.

You might also like