અમર્ત્ય સેનને નાલંદા યુનિ.ના બોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું નહીં

નવી દિલ્હી: નોબલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેનને નાલંદા યુનિવર્સિટીના બોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું નથી. તેઓ યુનિવર્સિટીના ચાન્સેલર, ગવર્નિંગ બોડીના સભ્ય રહી ચૂકેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમર્ત્ય સેને મોદી સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કર્યાં હતાં. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કર્યા બાદ ફેબ્રુઆરી ૨૦૧૫માં નાલંદા યુનિવર્સિટીના ચાન્સેલર પદેથી પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ત્યાર બાદ તેઓ માત્ર ગવર્નિંગ બોડીના સભ્ય રહ્યા હતા.

અમર્ત્ય સેન ઉપરાંત હાર્વર્ડના પૂર્વ પ્રાધ્યાપક અને ટીએમસી સાંસદ સુગતા બોસ અને યુકેના અર્થશાસ્ત્રી મેઘનાથ દેસાઈને પણ નાલંદાના નવા બોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું નથી. આ બંને પણ નાલંદા મેન્ટર ગ્રૂપના સભ્યો હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં મનમોહન સરકારે અમર્ત્ય સેનને નાલંદા મેન્ટર ગ્રૂપના સભ્ય બનાવ્યા હતા.

નાલંદા યુનિવર્સિટીના નવા બોર્ડની રચના કરવામાં આવી છે. નવા બોર્ડમાં ચાન્સેલર, વાઈસ ચાન્સેલર અને પાંચ સભ્ય હશે. આ પાંચ સભ્ય ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, લાઉસ પીડીઆર અને થાઈલેન્ડના હશે. બોર્ડને ત્રણ વર્ષ સુધી મહત્તમ નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે. ભારત તરફથી પૂર્વ બ્યૂરોક્રેટ એન. કે. સિંહની પસંદગી કરવામાં આવી છે. તેઓ ભાજપના સભ્ય અને બિહારના રાજ્યસભાના સાંસદ પણ છે.

You might also like