પવિત્ર અમરનાથ યાત્રા ૧૮મીએ સંપન્નઃ આજે છડી મુબારક થશે

નવી દિલ્હી: અમરનાથ યાત્રા હવે તેના આખરી પડાવમાં પ્રવેશી છે અને તેના કારણે શ્રદ્ધાળુઓની ભીડમાં ઘટાડો થયો છે. અમરનાથ યાત્રા 18મીએ સંપન્ન થશે તેમજ આ યાત્રાની આજે છડી મુબારક થશે. તેથી યાત્રિકો હવે ગુફા તરફ જવા રવાના થયા છે.

આ યાત્રામાં બાલતાલ જવા માટે સાત વાહનમાં કુલ 97 શ્રદ્ધાળુ રવાના થયા હતા. જેમાં 64 પુરુષ અને 33 મહિલાનો સમાવેશ થાય છે. આ પ્રકારે પહેલગામ જવા માટે માત્ર 42 શ્રદ્ધાળુ રવાના થયા હતા. જેમાં 32 પુરુષ અને 10 મહિલાનો સમાવેશ થાય છે. સમુદ્રથી 3888 મીટરની ઊંચાઈએ આવેલા ભગવાન અમરેશ્વરની પવિત્ર ગુફા માટે અને છડી મુબારકમાં ભાગ લેવા અનેક યાત્રિકો જઈ રહ્યા છે અને તે માટે આ સ્થળ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

યાત્રાના 41મા દિવસે 197 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીની પૂજા કરી હતી. અત્યાર સુધી 2,19,294 યાત્રિકે શ્રદ્ધાળુ ભોળા બાબાના દર્શન કર્યાં છે. પૌરાણિક માન્યતા મુજબ આ યાત્રા 19 જુલાઈના રોજ વ્યાસ પૂર્ણિમાના દિવસે પહલગામમાં લિદદર કિનારે પવિત્ર છડી મુબારકના ભૂમિપૂજન અને નવગ્રહ પૂજનનું અનુષ્ઠાન સંપન્ન થયા બાદ જ શરૂ થયેલી માનવામાં આવે છે.

આ અંગે મહંત દિપેન્દ્ર ગિરીએ જણાવ્યુ કે આગામી 18 ઓગસ્ટના રોજ શ્રાવણી પુનમ અથવા રક્ષાબંધનના દિવસે સવારે પવિત્ર ગુફા બાબા બર્ફાનીની પુજા કરવામાં આવશે.

You might also like