૨ જુલાઈથી અમરનાથ યાત્રા શરૂઃ ૨૯ ફેબ્રુ.થી રજિસ્ટ્રેશનનો આરંભ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ૨ જુલાઈથી બાબા અમરનાથની પવિત્ર યાત્રાનો આરંભ થશે. આ વર્ષે અમરનાથ યાત્રા ૧૧ દિવસ ઓછી ચાલશે. અમરનાથ યાત્રાની સમયાવધિ ૪૮ દિવસની રાખવામાં આવી છે. બીજી જુલાઈએ માસિક શિવરાત્રિના દિવસે શરૂ થનારી અમરનાથ યાત્રા ૧૮ ઓગસ્ટના રોજ શ્રાવણી પૂનમે સંપન્ન થશે.

ગઈ સાલ અમરનાથ યાત્રા ૫૯ દિવસ ચાલી હતી. જ્યારે આ વખતે આ યાત્રા ૪૮ દિવસ ચાલશે અને આમ આ વખતે યાત્રા ૧૧ દિવસ ઓછી રહેશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે (એસએએસબી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે યાત્રામાં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને સૌથી વધુ મહત્ત્વ અને પ્રાથમિકતા આપવામાં આવશે.

બોર્ડના અધ્યક્ષ અને રાજ્યપાલ એન.એન. વોહરાની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે બોર્ડની ૩૦મી ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી. બેઠકમાં શ્રી શ્રી રવિશંકરના રિપોર્ટના આધારે યાત્રાની સમયાિધનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં જણાવાયું હતું કે બાલતાલ અને ચંદનવાડી આ બંને યાત્રા રૂટ માટે ૨૯મી ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. આ વખતે દેશભરમાં જમ્મુ-કાશ્મીર બેંક, પંજાબ નેશનલ બેંક અને યશ બેંકની ૪૩૨ શાખાઓમાં યાત્રા માટે રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ બનશે.

બોર્ડે નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૧૬ની યાત્રામાં દરરોજ પ્રતિ રૂટ માટે ૭૫૦૦ યાત્રીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે હેલિકોપ્ટર દ્વારા યાત્રા પર જનારા લોકો ઉપરાત બંને રૂટ પરથી ૭૫૦૦-૭૫૦૦ યાત્રીઓને જવાની મંજૂરી મળશે.

You might also like