બરફથી ઢંકાયેલાે રસ્તો પાર કરી ભાવિકો અમરનાથની ગુફાએ પહોંચશે

શ્રીનગર: આગામી 29 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રામાં આ વખતે ભાવિકોને અમરનાથની ગુફાએ જતાં પહેલાં છ કિમી સુધી બરફના રસ્તા પરથી પસાર થવું પડશે, જોકે હાલ આ રસ્તાને યાત્રિકો માટે સરળ બનાવવા કામગીરી ચાલી રહી છે. આ વખતે થયેલી બરફવર્ષાના કારણે પહલગાંવ નજીક હજુ પણ રસ્તા પર બરફ છવાયેલો છે.

દરમિયાન લોક કાર્ય નિર્માણ પ્રધાન નઈમ અખ્તરે અનંતનાગમાં અમરનાથ યાત્રા અંગે કરવામાં આવી રહેલી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે 29 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રા અંગેની હાલ તૈયારી ચાલી રહી છે, જે 20 જૂન સુધી પૂરી કરી લેવાની રહેશે. આ દરમિયાન અધિકારીઓએ પ્રધાનોને જણાવ્યું હતું કે પહલગાંવ તરફથી આવતો રસ્તો યાત્રિકો માટે પગપાળા જવા માટે સારી રીતે તૈયાર કરી દેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે હિમવર્ષા વધુ થવાથી ગુફા નજીકનો રસ્તો હજુ પણ બરફથી છવાયેલો છે. તેથી આ વખતે યાત્રિકોએ ગુફામાં જવા માટે બરફ પરથી જ પસાર થવું પડશે.

યાત્રિકોની સુરક્ષા અને અન્ય વ્યવસ્થા અંગે પ્રધાને જણાવ્યું કે આ યાત્રા કાશ્મીરની પરંપરા અને સભ્યતાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ માટે કાશ્મીરીઓ હિન્દુ કે મુસ્લિમનો ભેદભાવ ભૂલી જઈ વર્ષોથી આ માટે વ્યવસ્થા કરતા આવ્યા છે. તેથી આ વખતે પણ સ્થાનિક લોકોની ભાગીદારીને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે. કાશ્મીરી મુસ્લિમો આ યાત્રાની સુરક્ષાવ્યવસ્થામાં હંમેશાં આગળ રહે છે તેમજ તેઓ આ યાત્રામાં અડચણ ઊભી કરતાં તત્ત્વોનો વિરોધ કરતાં રહ્યાં છે ત્યારે પ્રધાને પહલગાંવ અને અનંતનાગ નજીક યાત્રિકો માટે બનાવવામાં આવેલા કેમ્પની મુલાકાત લીધી હતી, તેમાં તેમણે સ્વચ્છતા રાખવા આગ્રહ કર્યો હોત તેમજ આ કેમ્પમાં યાત્રિકોને સારી સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like