અમરનાથની દિવ્ય અમર કથાનાં રહસ્ય જાણી થઇ જવાશે અમર

ભગવાન શિવનાં અનેક યાત્રાધામ છે, પરંતુ અમરનાથ ગુફા ભગવાન શિવનાં તીર્થ સ્થળો પૈકી ખૂબ જ પ્રખ્યાત છે. આ ગુફાની કથા અને તે કથાનાં રહસ્ય વિશે સાંભળીને કોઈ પણ પ્રાણી અમર થઈ જાય છે. પુરાણોમાં કથા છે કે એક વખત માતા પાર્વતીએ ભગવાન શંકરને પ્રશ્ન કર્યો કે એવું કેમ છે કે તમે તો અમર છો પણ મારે દરેક જન્મમાં નવા સ્વરૂપમાં આવીને વર્ષોની કઠોર તપસ્યા કર્યા બાદ તમને પ્રાપ્ત કરવા પડે છે. મારી આવી પરીક્ષા કેમ લેવામાં આવે છે? તમારા ગળામાં પરમુંડની માળા અને તમારા અમર થવા પાછળ શું રહસ્ય છે?
શિવજીએ પહેલાં તો આ ગૂઢ રહસ્ય બતાવા માટે ના પાડી પણ માતા પાર્વતીએ હઠ કરતાં તેમણે પોતાની અમર કથા સંભળાવી જેને આપણે અમરત્વની કથાના રૂપમાં જાણીએ છીએ.

આ પવિત્ર અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને એકાંતમાં ગુપ્ત સ્થાન પર આ અમર કથા સાંભળવા કહ્યું કારણ કે આ કથાને જે કોઈ પણ પ્રાણી સાંભળે છે તે અમર થઈ જાય છે. આ માટે સૌથી પહેલાં ભગવાન શિવે પોતાના વાહન નંદીને પહલગામમાં છોડી દીધો, આ જ કારણથી અમરનાથની યાત્રા પહલગામથી શરૂ કરવામાં આવે છે.

આગળ જતાં શિવજીએ પોતાની જટાઓમાંથી ચંદ્રને અલગ કરી દીધો તે જગ્યા ચંદનવાડીના નામથી ઓળખાય છે. આગળ જઈને પંચતરણીમાં તેમણે ગંગાજીને અલગ કર્યા અને કંઠાભૂષણમાં નાગોને છોડી દીધા, આ જગ્યાનું નામ શેષનાગ પડયું.

આગળ જવા પર ગણેશ ટાપ પર શિવજીએ શ્રીગણેશને છોડી દીધા, આ સ્થળને મહાગુણા પર્વત પણ કહેવામાં આવે છે. પિસ્સુ ઘાટીમાં તેમણે પિસ્સુ નામના કીડાનો પણ ત્યાગ કર્યો. આ જ પ્રમાણે શિવજીએ જીવનદાયિની પાંચ તત્વોને પણ પોતાનાથી અલગ કરી દીધાં.
ત્યારબાદ શિવજી માતા પાર્વતી સાથે એક ગુફામાં જતા રહ્યા. કોઈ વ્યક્તિ અથવા પ્રાણી ગુફાની અંદર આવીને કથા ન સાંભળી લે તે માટે પોતાના ચમત્કારથી ગુફાની ચારેય બાજુ આગ લગાવી દીધી.

ત્યારબાદ શિવજીએ જીવનની અમર કથા માતા પાર્વતીને સંભળવાનું શરૂ કર્યું. કથા સાંભળતાં સાંભળતાં માતા પાર્વતીને ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયાં. શિવજીને આ વાતની ખબર ન પડી. ભગવાન શિવ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે બે સફેદ કબૂતર તે કથા સાંભળી રહ્યા હતાં અને વચ્ચે વચ્ચે ઘૂં-ઘૂંની અવાજ કરી રહ્યા હતાં એટલે ભગવાન શિવને એમ લાગતું હતું કે પાર્વતીજી કથા સાંભળતા સાંભળતા હુંકાર ભરી રહ્યા છે.

આ રીતે બંને કબૂતરોએ આખી કથા સાંભળી લીધી. કથા સમાપ્ત થતાં ભગવાન શિવે જોયું કે પાર્વતીજી તો સૂઈ રહ્યા છે, તેમણે વિચાર્યુ કે તો કથા કોણ સાંભળી રહ્યું હતું, ત્યારે તેમનું ધ્યાન કબૂતરો ઉપર પડયું. શિવજી ખૂબ જ ક્રોધિત થયા અને તેમને મારવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે કબૂતરોએ ભગવાન શિવને વિનંતી કરી કે “પ્રભુ અમે તમારાથી અમર થવાની કથા

સાંભળી છે, જો તમે અમને મારી દેશો તો આ કથા સાંભળીને પ્રાણી અમર થઈ જાય છે તે વાત ખોટી પડશે.” આ વાત સાંભળી શિવજીએ તે કબૂતરોને જીવીત છોડી દીધાં અને તેમને આશીર્વાદ આપ્યા કે તમે હંમેશાં આ સ્થાન ઉપર શિવ પાર્વતીનાં પ્રતીક રૂપે નિવાસ કરશો. આ રીતે આ કબૂતરની જોડી અમર થઈ ગઈ. •

You might also like