અમરનાથ યાત્રાઃ પવિત્ર હિમલિંગ લુપ્ત થતા શ્રદ્ધાળુઓ નિરાશ

જમ્મુ: બાબા બરફાની અંતરધ્યાન થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજ સુધીમાં બાબા અમરનાથની ગુફામાં પવિત્ર હિમલિંગ લુપ્ત અને અદ્રશ્ય થઈ ગયું છે. માત્ર નીચેની જગ્યાએ થોડો બરફ હજું છે. ૨ જુલાઈએ શરૂ થયેલ ૪૮ દિવસની અમરનાથ યાત્રાને હજુ ૧૩ દિવસ પણ થયા નથી ત્યાં બાબા અમરનાથનું પવિત્ર હિમલિંગ અદૃશ્ય અને લુપ્ત થઈ જતા શ્રદ્ધાળુઓ નિરાશ થયા છે.
ગુરુવારે બાબાના દર્શન કરનાર શ્રદ્ધાળુઓ અને અમરનાથ શ્રાઈન બોર્ડના સૂત્રોએ આ જાણકારી આપી હતી. જોકે બોર્ડના સીઈઓ પી.કે. ત્રિપાઠીએ આ બાબતે તેઓ અજાણ હોવાનું જણાવ્યું હતું.

ગ્લોબલ વાર્નિંગને લઈને આ વર્ષે બાબા અમરનાથનું પવિત્ર હિમલિંગ પૂર્ણ આકાર ગ્રહણ કરી શક્યું નથી.  યાત્રા માર્ગ પર પણ દર વર્ષ જેઓ બરફ છવાયેલો નથી. ૧૪,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ પવિત્ર અમરનાથ ગુફા પર ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. ગુફા પર વધતા જતા તાપમાનને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી સતત આવું થઈ રહ્યું છે કે રક્ષાબંધન પર યાત્રાની સમાપ્તિ પહેલા જ પવિત્ર હિમલિંગ લુપ્ત થઈ જાય છે.

વર્ષ ૨૦૦૬માં શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો પહોંચે તે પહેલા જ બાબા બરફાની લુપ્તપ્રાય થઈ ચૂક્યા હતા. એ વખતે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે એક અભ્યાસ પણ કરાયો હતો. નિષ્ણાતોની ટીમે પવિત્ર ગુફા તથા આસપાસના વિસ્તારોમાં થઈ રહેલ ક્લાઈમેટ ચેઈન્જ અને તેના કારણોનો અભ્યાસ કર્યો હતો.

You might also like