પાક. આર્મી ચીફ બાજવાને ગળે મળવાની સિદ્ધુની હરકત અયોગ્યઃ અમરિંદરસિંહ

નવી દિલ્હી: પાકિસ્તાનની નવરચિત સરકારના વડા અને પૂર્વ ક્રિકેટર ઇમરાનખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા ગયેલા પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ વાઘા-અટારી બોર્ડર પરથી દેશમાં પરત આવવાની સાથે જ તેમણે ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો છે.

સિદ્ધુનો પાકિસ્તાન પ્રવાસ બે કારણસર વિવાદમાં ઘેરાયો છે. પ્રથમ તેમણે પાકિસ્તાની આર્મીના વડા જનરલ કમર જાવેદ બાજવાને ગળે લગાવ્યા હતા અને બીજું સિદ્ધુ પાક. હસ્તકના કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ મસુદખાન સાથે પ્રથમ હરોળમાં બેઠા હતા. આ બેે કારણસર સિદ્ધુ જ્યારે વાઘા-અટારી બોર્ડર પરથી દેશમાં પરત આવ્યા ત્યારે સ્થાનિક લોકોએ સિદ્ધુ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

સિદ્ધુના પાકિસ્તાની આર્મી જનરલ બાજવાને ગળે લગાડીને મળવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં પંજાબના મુખ્યપ્રધાન અમરિંદરસિંહે સિદ્ધુની આ હરકતને અયોગ્ય ગણાવી હતી. અમરિંદરસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના આર્મી ચીફને ગળે લગાવવાની વાતને લાગેવળગે છે ત્યાં સુધી હું તેમની તરફેણમાં નથી.

સિદ્ધુએ પાકિસ્તાનના આર્મી ચીફ પ્રત્યે આ રીતે સ્નેહ દર્શાવીને ખોટું કર્યું છે. આપણા જવાનો રોજ શહીદ થાય છે એ વાત સિદ્ધુએ સમજવી જોઇએ. આ માટે ભારત સરહદ પર ગોળીબાર કરવાના આદેશ જનરલ બાજવા જ આપતા હોય છે.

કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે શપથગ્રહણને લાગેેવળગે છે ત્યાં સુધી સિદ્ધુ વ્યકિતગત રીતેે ત્યાં ગયા હતા અને પંજાબ સરકારને તેની સાથે કોઇ નિસબત નથી. પીઓકેના રાષ્ટ્રપતિ સાથે બેસવા અંગે અમરિંદરસિંહે જણાવ્યું હતું કે કદાચ સિદ્ધુને એ ખબર નહીં હોય કે પીઓકેના રાષ્ટ્રપતિ કોણ છે.

You might also like