અમરસિંહ-બેનીપ્રસાદ વર્માએ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ખાલી થયેલી રાજ્યસભાની ૧૧ સીટમાંથી સાત સીટ માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ ગઈ કાલે ઉમેદવારીપત્ર ભર્યાં હતાં.
ઉમેદવારીપત્ર ભરનારાઓમાં અમરસિંહ, પૂર્વ પ્રધાન બેનીપ્રસાદ વર્મા, કુંવર રેવતી રમણસિંહ, વિશ્વંભર નિષાદ અને સુરેન્દ્ર નાગર, સંજય શેઠ, વિધાન પરિષદના પૂર્વ સભાપતિ સુખરામસિંહ યાદવનો સમાવેશ થાય છે, જેમાં પહેલી ઉમેદવારી અમરસિંહે અને છેલ્લે સુરેન્દ્ર નાગરે ઉમેદવારી નોંધાવી હતી.
અગાઉ રાજ્યસભાના સભ્ય અરવિંદ સિંહને રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ મંગળવારે અચાનક તેમની જગ્યાએ સુરેન્દ્ર નાગરને ટિકિટ આપવામાં આવી હતી. સપાના ઉમેદવારોને ગઈ કાલે બપોરના ૧ર-૦૦ વાગ્યા સુધીમાં ઉમેદવારી નોંધાવવાની હતી, પરંતુ અમરસિંહ ૧ર-૪૮ કલાકે ઉમેદવારી કરવા આવ્યા હતા ત્યારે તેમના અનેક સમર્થકો સપાના કાર્યાલય પર એકત્ર થયા હતા.
સપાના આઠ નેતાઓએ ગઈ કાલે વિધાન પરિષદની ખાલી પડેલી 13 સીટમાંથી આઠમી સીટ માટે વિધાનસભાના રાજર્ષિ ટંડને તેમની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ઉચ્ચ સદન માટે પહેલી ઉમેદવારી બલરામસિંહ યાદવે નોંધાવી હતી. ત્યારબાદ શતરુદ્ર પ્રકાશ, રામ સુંદરદાસ નિષાદ, જગજીવન પ્રસાદ, યશવંતસિંહ, બુક્કલ નવાબ, કમલેશ પાઠક અને રણવિજયસિંહે તેમની ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સપાના રાષ્ટ્રીય મહાસચિવ
પ્રો. રામગોપાલ યાદવ અને કેબિનેટ પ્રધાન શિવપાલસિંહ સહિત પક્ષના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

You might also like