CBSEમાં નવા સત્રની શરૂઆત છતાં RTE હેઠળ પ્રવેશ નહીં

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં કુલ બેઠક ક્ષમતાના ૨૫ ટકા બેઠક પર ધો.૧માં ગરીબ અને તક વંચિત બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયામાં આ વખતે પણ જ્યારે સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં તા.૧ એપ્રિલથી વર્ગ શિક્ષણનો આરંભ થઇ ગયો હોય આરટીઇ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે આવી શાળામાં અરજી કરી છે, તેઓને હજી એડમિશનનાં ઠેકાણાં ન હોયને વર્ગ શિક્ષણનો એક પછી એક દિવસ બગડી રહ્યો છે. છેલ્લાં ૩ વર્ષથી આ પ્રશ્ન સર્જાતો હોવા છતાં શિક્ષણ વિભાગે જાણે હમ નહીં સુધરેંગેનું સૂત્ર અપનાવ્યું હોય તેમ પોતાની નીતિ લગીરેય બદલી નથી.

હાલ આરટીઇ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે હજી અરજી કરવાની અને તેને સબમિટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે કેન્દ્રીય બોર્ડની શાળાઓમાં તો એપ્રિલના આરંભથી ધો.૧માં શિક્ષણ કાર્યનો આરંભ થઇ ગયો છે. આથી વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન થઇ રહ્યું છે. સંદીપ મુંજ્યાસરાએ હાઇકોર્ટમાં ગુજરાત સરકાર સામે જાહેર હિતની અરજી કરી છે.

આ અરજીમાં વધુમાં જણાવાયું છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં આરટીઇ અંતર્ગત ૧,૧૭,૦૦૦ બેઠક ઉપલબ્ધ છે. જ્યારે આ વખતે રાજ્ય સરકારને ૨ લાખ જેટલી અરજી ધો.૧માં આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે મળી છે. વળી, આ ૨ લાખ અરજી પૈકી ૧.૭૫ લાખ ફોર્મને તો મંજૂર કરાયાં અને તેમાં દોઢેક લાખ ફોર્મ તો ભરાઇને પરત રિસિવિંગ સેન્ટરમાં આવી ગયાં છે. આ સંજોગોમાં ગરીબ વિદ્યાર્થીઓને માટે પ્રવેશનું શું આયોજન છે તેવો પ્રશ્ન કરાયો છે.

આ ઉપરાંત પ્રવેશ માટેના બીજા અને ત્રીજા રાઉન્ડ માટે શું આયોજન છે તે અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે તા.૨૬ એપ્રિલને શુક્રવારે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને છઠી મેના રોજ આરટીઇ પ્રવેશની પહેલી યાદી જાહેર થશે. તેના થોડા સમય પછી બીજી અને ત્યાર બાદ ત્રીજી યાદી જાહેર થશે, એટલે સીબીએસઈ શાળાઓમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓનું એક મહિનાનું શિક્ષણ બગડશે આ સ્કૂલોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો શરૂઆતનો અભ્યાસ બગડશે. આ મુદ્દે આજે હાઇકોર્ટમાં સુનાવણી થશે.

You might also like