ભાજપમાં જોડાવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોર કાલે પત્તા ખોલશે

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્યએ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી તેમની ભાજપમાં જોડાવવાની અટકળોને ર૪ કલાકનો વિરામ આપ્યો છે.

કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ તેના ભાજપમાં જોડવાની બાબતે ચાલેલી ચર્ચા પર સ્પષ્ટ પૂર્ણવિરામ મૂક્યા બાદ હવે અલ્પેશ ઠાકોરે પણ તેની ભાજપમાં જોડાવાની બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે મારે જે પણ કહેવું છે તે હું આવતી કાલે બપોરે બે વાગ્યે પત્રકાર પરિષદમાં જણાવીશ. જો કે ભાજપમાં જોડાશે કે નહીં તેની સ્પષ્ટતા હાલના તબક્કે તેમણે કરી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મિશન-૨૦૧૯ લોકસભાની રાજ્યની તમામ બેઠકોની સમીક્ષા તાજેતરમાં જ પૂર્ણ થઈ છે ત્યારે પક્ષથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અને લલિત વસોયા સોમાભાઈ ગાંડાભાઈ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. તે પહેલા ‘પાસ’ના અગ્રણી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો પણ ચાલી રહી છે. હાર્દિક પટેલ જામનગર લોકસભાની ચૂંટણી લડશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

જોકે લલિત વસોયાએ આ બાબતે સ્પષ્ટ રદિયો આપતાં તેના પર પડદો પડી ગયો છે. પરંતુ રાજકીય વર્તુળોમાં હાલમાં ચાલતી ચર્ચા મુજબ, અલ્પેશ ઠાકોર અને તેની સાથે બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પરથી પાટણની બેઠક પર લોકસભાની ચૂંટણી લડે એવી ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ તેમના રાજીનામાને પગલે ખાલી પડનારી વિધાનસભાની રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી પેટા ચૂંટણી લડે તેવુણ પણ ચર્ચાઇ રહ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બેલ્ટને ભાજપે વર્તમાન સમયમાં અગ્રતા આપી છે. થોડા દિવસ પૂર્વે કુંવરજી બાવળિયાને ખેસ પહેરાવ્યા પછી ચાર કલાકમાં મંત્રી પદ પણ અપાઈ ગયું. તેવી સ્થિતિમાં ભાજપે પક્ષના પ્રવેશદ્વાર ખૂલ્લા મૂક્યાં છે. અને તેમાં નારાજ કોંગ્રેસના નેતાઓનું લિસ્ટ છે.દરમિયાન શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અટકળો અંગે જણાવ્યું હતું કે જે પણ જોડાશે તેની ટૂંકમાં ખબર પડશે.

You might also like