અલ્પેશ ઠાકોરે એસજી હાઇવે પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યોઃ અટકાયત

અમદાવાદ: રાજ્યમાં ખેડૂતોનાં દેવાં માફ કરવા તેમજ પશુપાલકોને યોગ્ય ભાવ મળે તેની માગ સાથે ઓબીસી એકતા મંચ દ્વારા આજ સુુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા ન મળતાં ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા આજે દૂધબંધીનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે આજે સવારે અલ્પેશ ઠાકોર અને તેના કાર્યકરો દ્વારા સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઝાયડસ ચાર રસ્તા પાસે દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો હતો.

અલ્પેશ ઠાકોર અને તેના કાર્યકરો દ્વારા જાહેરમાં મંજૂરી વગર કાર્યક્રમ કરવામાં આવતાં સોલા પોલીસે તેઓની અટકાયત કરી હતી. અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવતાં ઓબીસી એકતા મંચના કાર્યકરો સોલા પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો હતાે. અલ્પેશ ઠાકોરને મુકત કરવા સૂત્રોચ્ચાર કર્યો હતો.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે દેશના મોટાભાગનાં રાજયોમાં ખેડૂતોનાં દેવાં માફ કરી દેવાયાં છે. જયારે ગુજરાતમાં સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવ્યાં નથી. જ્યાં સુધી ખેડૂતોનાં દેવાં માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે. ઓબીસી એકતા મંચ દ્વારા અપાયેલા દૂધબંધીનાં એલાનમાં માલધારીઓ તેમજ અન્ય સંગઠનના લોકો પણ જોડાયા હતા.

રાજ્યની મોટી દૂધની ડેરીઓ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહેસાણા ખાતે આવેલી દૂધ સાગર ડેરી પર વિરોધ નોંધાવવા જતા ઓબીસી એકતા મંચના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ખેડૂતોનાં સંપૂર્ણ દેવાં માફ કરી દેવાની માગણીના સંદર્ભમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અપાયેલા દૂધબંધીના એલાનને નબળો પ્રતિસાદ સાપડ્યો છે. જોકે ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં મોટાભાગની ડેરીઓ બંધ રહી હોવાનો દાવો કરવામાં અાવ્યો છે. ઠાકોર સમાજ દ્વારા અપાયેલા દૂધબંધીના એલાનને માલધારીનો સમર્થન મળ્યું હોવાનો દાવો કરવામાં અાવ્યો છે. અા ઉપરાંત ડેરીઓના સંચાલકોને પણ ડેરીનું કામકાજ બંધ રાખવા અપીલ કરવામાં અાવી છે. અાગામી ૭ જુલાઈએ ગાંધી અાશ્રમથી ગાંધીનગર સુધીની કૂચનું અાયોજન કરવામાં અાવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને માલધારીઓ હાજર રહેશે.

ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે દૂધબંધીના એલાનને ગામડાંઓમાં સફળતા મળી છે. અાજે મહેસાણાની દૂધસાગર ડેરી સામે ધરણાંનો કાર્યક્રમ યોજાવવામાં અાવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેવાના છે. દૂધબંધીના એલાનને પગલે અાજ રાતથી દૂધનાં ટેન્કરો અટકાવવા પર ચીમકી અાપવામાં અાવી છે અને ડેરીના સંચાલકો જો ડેરી બંધ નહીં રાખે તો રૂપિયા પાંચ હજારનો દંડ કરવાની પણ જોગવાઈ કરવામાં અાવી છે.

http://sambhaavnews.com/

You might also like