તોફાનો ભડકાવવાના આરોપમાં ઘેરાયેલા અલ્પેશ ઠાકોરના ‘સદભાવના’ ઉપવાસ

અમદાવાદ: રાજ્યમાં પરપ્રાંતીયો પરના હુમલા માટે જેમની સામે ગંભીર આક્ષેપ થયા છે તેવા ઠાકોર સેનાના અગ્રણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે સાબરમતી આશ્રમ ખાતે સદ્ભાવના ઉપવાસ શરૂ કર્યા છે, જો કે આ સદ્ભાવના ઉપવાસથી તેમની ખરડાયેલી છબી સુધરશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

પરપ્રાંતીયો પર હુમલા અને તેમની હિજરત માટે લોકોને ઉશ્કેરવા બદલ અલ્પેશ ઠાકોર સામે આંગળી ચિંધાઇ રહી છે. બાળકી પરના બળાત્કારના વિરોધમાં ઠેરઠેર હુમલા થતા પરપ્રાંતીઓએ હિજરત શરૂ કરી હતી તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હોવાના કારણે અલ્પેશ ઠાકોરની સાથે-સાથે કોંગ્રેસ સામે પણ ભાજપ દ્વારા ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર દ્વારા પરપ્રાંતીયો વિશે કેટલા ઉશ્કેરણીજનક નિવેદનોના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવાથી વાતાવરણ વધુ ડહોળાયું હોવાની ચર્ચા છે.

રાજ્ય સરકાર અને કેટલાક પ્રધાનોએ પણ ગુજરાતમાં પરપ્રાંતીયો પરના હુમલા માટે અલ્પેશ ઠાકોર તથા કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.

જોકે અલ્પેશ ઠાકોર તેમજ કોંગ્રેસ દ્વારા આ આક્ષેપોને ફગાવી દેવાયા છે. અલ્પેશ ઠાકોરે તો આને પોતાના વિરુદ્ધનું રાજકીય ષડ્યંત્ર તરીકે ઓળખાવ્યું છે. દરમ્યાન આજના બોપલ સ્થિત પોતાના નિવાસસ્થાને સદ્ભાવના ઉપવાસનો પ્રારંભ કરનાર અલ્પેશ ઠાકોરે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારને પણ ઉપવાસમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે જ્યારે તેમના સદ્ભાવના ઉપવાસમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાય તેવી શક્યતા છે.

You might also like