પોલીસે અલ્પેશ ઠાકોરની પદયાત્રા કલેક્ટર ઓફિસ પાસે અટકાવી

અમદાવાદ: રાજ્યમાં ખેડૂતોનાં દેવાં માફી મામલે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા આજે ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પેશ ઠાકોર અને તેના કાર્યકરો દ્વારા સવારે ગાંધીઆશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ ગાંધીઆશ્રમથી ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવી હતી, જોકે કલેક્ટર ઓફિસ પાસે રેલી પહોંચતાં પોલીસે અલ્પેશ ઠાકોર અને કાર્યકરોને અટકાવ્યા હતા. કાર્યકરોએ રસ્તા પર બેસી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે અલ્પેશ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. અલ્પેશ અને તેના કાર્યકરો દ્વારા ખેડૂતોના દેવા માફીની માગ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર કટ્ટરપંથી છે. ૪૩,૦૫૦ જેટલા ખેડૂતો દેવાંમાં છે. સરકાર બેવડી અને દમનની નીતિ અપનાવે છે. ગઇ કાલે સચિવાલય સંકુલમાં ખેડૂત દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો હતો તે ખેડૂતને સરકાર દ્વારા સહાય આપવામાં આવે. આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે.

ગાંધીનગર સુધી ૨૦ લોકોની રેલી માટેની મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ સરકારે ડરના કારણે રેલીને મંજૂરી આપી નથી. ૨૦ લોકો માટે બે હજાર જેટલો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સરકાર ખેડૂતો માટે પેકેજ જાહેર કરે તેવી અલ્પેશ ઠાકોરે માગણી કરી હતી.

અલ્પેશ ઠાકોર દ્વારા યોજવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં ઓબીસી એકતા મંચના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા. ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધીની રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી અને ગાંધીઆશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like