અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ તરફથી સોંપાઇ મોટી જવાબદારી, રાષ્ટ્રીય રાજકારણમાં વધ્યું કદ

ગુજરાતમાંથી હવે રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસનાં નેતાઓનાં કદમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાધનપુરથી કોંગ્રેસનાં ધારાસભ્ય અને ઠાકોર સમાજનાં નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં મોટી જવાબદારી આપવામાં આવી છે. જેને લઇને એવું લાગે છે કે કોંગ્રેસમાં હવે ગુજરાતનો દબદબો વધવા લાગ્યો છે. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યાં છે અને બિહાર કોંગ્રેસનાં સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

મહત્વનું છે કે કોંગ્રેસ પાસે બિહારમાં ઓબીસી ચહેરો ન હોવાંથી ત્યાં અલ્પેશની નિમણુંક કરાઈ છે. અલ્પેશ ઠાકોર હવે બિહારમાં સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે અને બિહારનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલ સાથે કામગીરી અદા કરશે. બિહારમાં 2 ગુજરાતી નેતાઓને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. થોડાંક સમય પહેલા શક્તિસિંહ ગોહિલને બિહારનાં પ્રભારી બનાવવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી તરફથી નવા 8 સચિવોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહારનાં સચિવ બનાવવામાં આવ્યાં છે. જ્યારે શકીલ અહમદને જમ્મુ-કાશ્મીરનાં સચિવ બનાવવામાં આવ્યાં છે. કોંગ્રેસનાં મહાસચિવ અશોક ગેહલોત તરફથી એક પત્ર દ્વારા 8 નવા સચિવોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.

You might also like