અલ્પેશ-મેવાણીનો મતગણતરી પહેલા જ કોંગ્રેસની જીતનો દાવો, તે બંને જીતશે કે નહીં તે જોવું રહ્યું

આજે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જો કે વિધાનસભાની ચૂંટણીના આ વખતના પરિણામો બરાબર ટક્કર જામે તેવા આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પહેલેથી કોંગ્રેસની જીતના દાવા કરી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા રાધનપુરના કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તેવી આશા વ્યકત કરી હતી. અલ્પેશ ઠાકોર પોતાના પ્રચારમાં પણ કોંગ્રેસની જીતના દાવા કરી ચૂક્યા છે. જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતના ઓબીસીના યુવા નેતા તરીકે ઉભા થયેલા અલ્પેશની જીત થશે કે નહીં.

બીજી તરફ વડગામ સીટના અપક્ષના ઉમેદવાર અને કોંગ્રેસનું સમર્થન કરનારા જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે. ભાજપ દ્વારા જાતિવાદ અને દલિતો સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે, જેના કારણે આ વખતે ગુજરાતમાં ભાજપની હાર થશે.

માણસાના કોંગ્રેસ ઉમેદવાર સૂરજ પટેલે પણ કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે. વિરમગામના કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે પણ કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી છે. દસક્રોઈના ઉમેદવાર પંકજ પટેલે પણ કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે.

You might also like