ગરમીની સાથે સાથે શાકભાજીના ભાવ પણ 10 થી 25 ટકા વધ્યા

અમદાવાદ: કાળઝાળ ગરમીની શરૂઆતની સાથે સાથે જ બજારમાં મળતા ભીંડાથી લઈને ભાજી સુધીના વધેલા ભાવ ગૃહિણીઓને દઝાડી રહ્યા છે. નિયમિત પાક ગણાતા ભીંડા તુરિયાં કે ટીંડોળાના ભાવ પણ આસમાને છે તો ઉનાળાના સિઝન ગણાતાં તુરિયાં, ગલકાં અને ગવાર ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. જેના પ્રમાણમાં ફળોના ભાવ ગૃહિણીઓના બજેટને ભર ઉનાળે ઠંડક આપી રહ્યા છે. દ્રાક્ષ, તરબૂચ, ટેટી, દાડમ અને કેળાંના ભાવ ભર ઉનાળે લોકોનાં ખિસ્સાંને પોસાય તે ભાવે વેચાણ થઇ રહ્યાં છે.

સિઝનલ ફળોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ કિલો દીઠ રૂ. ૧૦ થી ૧૫નો ઘટાડો નોંધાયો છે. હજુ કેરીની સિઝન શરૂ થઇ નથી. છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ ૨૦ થી ૩૦ ટકા વધ્યા છે. એપીએમસી માર્કેટના વેપારી જયેશ પટેલે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતથી આવતા રેગ્યુલર પાક ગણાતા દૂધી, ભીંડા, પરવળ, ગલકાં, તુરિયાંના ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. નબળો વરસાદ, ઓછું ઉત્પાદનના કારણે શાકભાજીના ભાવ ઊંચકાયા છે. જેમાં કારેલાં, ભીંડા અને ટીંડોળાંની માગ વધુ હોઇ તેના ભાવ સૌથી વધારે છે.

શાકભાજીના ભાવઃ પ્રતિ કિલો
કોબી ૬૦ થી ૭૦, ટીંડોળાં ૧૦૦ થી ૧૧૦, રીંગણ ૬૦ થી ૭૦, દૂધી ૬૦ થી ૭૦, કારેલાં ૮૦ થી ૧૦૦, ગવાર ૧૦૦ થી ૧૧૦, કાકડી ૧૦૦ થી ૧૧૦, પરવળ ૧૦૦ થી ૧ર૦, ગલકાં ૮૦ થી ૯૦, ટામેટાં ૩૦ થી ૪૦, વટાણા ૧ર૦ થી ૧૪૦, ભીંડા ૧૦૦ થી ૧૧૦ લીલાં મરચાં રૂ.૭૦

ફ્રૂટના ભાવઃ પ્રતિ કિલો પ્રતિ કિલો તરબૂચ રૂ.૧૫ થી ૨૦, ચીકુ રૂ.૩૦ થી ૩પ સફરજન રૂ.૮૦ થી ૧૦૦, દ્રાક્ષ રૂ.૭૦ થી ૮૦, કાળી દ્રાક્ષ રૂ.૭૦ થી ૮૦, સંતરાં રૂ.૬૦ થી ૭૦, પપૈયું રૂ.૩૫ થી ૪૦, ટેટી રૂ.૩પ થી ૪૦, દાડમ રૂ. ૮૦ થી ૧૦૦, મોસંબી રૂ. ૭૦ થી ૮૦, પાઇનેપલ રૂ. ૬૦ થી ૭૦, કેળાં રૂ. ૪૦ થી૫૦.

આ વર્ષે તો એપ્રિલના પહેલા અઠવાડિયાથી જ દેશભરમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. જેના કારણે શાકભાજીનો પુરવઠો ઘટી ગયો છે . ચોળી, મેથી, પાલક વગેરે ભાજીઓના ભાવમાં ૨૨થી ૨૫ ટકાનો વધારો થયો છે. સરેરાશ ૧૦ રૂપિયામાં મળતી પત્તાં ભાજીની એક ઝૂડીના ભાવ હાલમાં ડબલ ૨૦ રૂપિયા થયા છે.

હજુ પણ આવનાર દિવસોમાં ગૃહિણીઓને ભાવ વધારો સહન કરવો પડશે.તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન સાબરકાંઠા જિલ્લામાં સારા પ્રમાણમાં થાય છે. સાબરકાંઠાથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન દિલ્હીમાં શાકભાજીનો નિકાસ કરે છે. પરંતુ ગરમીના કારણે દૂરથી આવતાં શાકભાજી ખરાબ થઇ જવાના કારણે હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.

You might also like