CBIના પૂર્વ ચીફ આલોક વર્માએ નીરવ મોદી-વિજય માલ્યાને મદદ કરી હતી?

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માની મુશ્કેલી સતત વધી રહી છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)એ આલોક વર્મા અને ૬ અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે, તેમાં બેન્ક કૌભાંડોના આરોપી નીરવ મોદી, વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી. શિવશંકરન સામેના લુકઆઉટ સર્ક્યુલરના આંતરિક ઈ-મેઈલ લીક કરવાના ગંભીર આરોપ પણ સામેલ છે.

નવા આરોપો અંગે સીવીસીએ કેન્દ્ર સરકારને માહિતગાર કરી દીધી છે, જેના વિશે ગત વર્ષે ૧ર નવેમ્બરે સુપ્રીમ કોર્ટ સમક્ષ આલોક વર્માનો તપાસ રિપોર્ટ દાખલ કર્યા બાદ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ફરિયાદો મળી હતી. વર્મા સામે તેમના જ નંબર-ર સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા લગાવવામાં આવેલા ૧૦ આરોપોની તપાસના આધારે રિપોર્ટમાં જણાવાયું છે કે આલોક વર્માની પૂછપરછ કરવી જોઈએ.

સીવીસીના સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈને ર૬ ડિસેમ્બરના રોજ એક પત્રના માધ્યમથી જણાવાયું છે કે તે આ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો અને ફાઈલો ઉપલબ્ધ કરાવે, જેથી તટસ્થ અને તાર્કિકરૂપે તપાસ પૂરી કરી શકાય. ત્યારબાદ તપાસ એજન્સીએ બુધવારે વિજય માલ્યા સંબંધિત કેસના તમામ દસ્તાવેજો સોંપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના કૌભાંડ કરીને બેન્કોને ચૂનો લગાવનારા નીરવ મોદી અને વિજય માલ્યા હાલ ભાગેડુ આરોપી છે.

આલોક વર્મા પર આરોપ છે કે તેમણે નીરવ મોદી સામેના કેસમાં સીબીઆઈના કેટલાક આંતરિક ઈ-મેઈલ્સ લીક થયાની ચોંકાવનારી વિગતો સામે આવ્યા બાદ આરોપીને શોધવાને બદલે તે ગંભીર મામલો દબાવી દેવાની કોશિશ કરી હતી. એ સમયે બેન્ક સાથેની છેતર‌િપંડી અને કૌભાંડમાંથી એક પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડની તપાસ ચરમસીમાએ હતી.
ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીએ જૂન-ર૦૧૮માં તત્કાલીન જોઈન્ટ ડાયરેક્ટર રાજીવ સિંહ (જે નીરવ મોદીની તપાસ કરી રહ્યા હતા)ના રૂમને બંધ કરી દીધો હતો અને ત્યાં સુધી કે ડેટા પ્રાપ્ત કરવા માટે ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયની કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી)ને પણ બોલાવી હતી, જોકે તપાસ એજન્સી સીબીઆઈના આ ઓચિંતા પગલા પાછળનાં કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

અન્ય મુખ્ય આરોપોની વાત કરીએ તો આલોક વર્મા પર એરસેલના પૂર્વ માલિક સી. શિવશંકરન સામેના લુકઆઉટ સર્ક્યુલરને નબળો પાડવાનો પણ આરોપ છે, જેના આધારે જ ૬૦૦ કરોડ રૂપિયાના આઈડીબીઆઈ બેન્ક લોન કૌભાંડમાં આરોપીને ભારત છોડવાની મંજૂરી મળી હતી. સૂત્રોમાંથી એવી જાણકારી પણ મળી છે કે જોઈન્ટ ડાયરેક્ટર રેન્કના એક અધિકારીએ શિવશંકરન સાથે પોતાની એફિસ અને ફાઈવ સ્ટાર હોટલમાં મુલાકાત ગોઠવી હતી.

આ મુલાકાત સર્વિસ રૂલ્સ-રેગ્યુલેશન્સ અને સીબીઆઈની આંતરિક પ્રક્રિયાઓથી સાવ વિરુદ્ધમાં હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે શિવશંકરને આઈપીએસ અધિકારીને મળવા માટે નકલી ઓળખનો સહારો લીધો હતો. તેઓ મળ્યાની થોડી વાર પછી જ આ બિઝનેસમેન સામે જારી થયેલા લુકઆઉટ સર્ક્યુલરને નબળો પાડી દેવામાં આવ્યો હતો.

You might also like