બદામ-અખરોટ મોંઘાં થશેઃ સરકારે આયાત ડ્યૂટી વધારી

મુંબઇ: ભારત સરકારે અખરોટ પર આયાત ડ્યૂટી ૩૦ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરી દીધી છે. એ જ પ્રમાણે બદામ પર આયાત ડ્યૂટી ૬૫ રૂપિયાથી વધારીને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો કરી દીધી છે, જેના પગલે બદામ અને અખરોટ વધુ મોંઘાં થાય તેવી શક્યતા છે.

નોંધનીય છે કે ટ્રમ્પે સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષા માટે અમેરિકામાં આયાત થતી કેટલીક ચીજવસ્તુ પર આયાત ડ્યૂટીમાં વધારો કરતાં ચીન સહિત કેટલાક દેશોએ એક્શન સામે રિએક્શનનાં પગલાં ભર્યાં છે. ભારત અમેરિકાથી મોટી માત્રામાં બદામ અને અખરોટની આયાત કરે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમે આ સંબંધમાં એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. આ સિવાય પ્રોટીન કન્સંટ્રેટ ઇમ્પોર્ટ ડ્યૂટી પણ ૧૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરી દીધી છે. ભારત, અમેરિકામાંથી બદામ આયાત કરતા અગ્રણી દેશોમાં એક છે.

ઓગસ્ટ ૨૦૧૬થી ફેબ્રુઆરી ૨૦૧૭ના સમયગાળામાં ભારતે અમેરિકામાંથી સૌથી વધુ બદામની આયાત કરી હતી. એ જ પ્રમાણે અખરોટની પણ અમેરિકામાંથી મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે.

આ અગાઉ અમેરિકાએ નવમી માર્ચે ભારત સહિત અન્ય દેશોમાંથી આયાત થતાં સ્ટીલ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા વધારાની ડ્યૂટી લાદી હતી, જેમાં અમેરિકાએ કેનેડા અને મેક્સિકોને રાહત આપી હતી. આ અંગે ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં પણ ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભારત અમેરિકામાંથી આયાત થતી વધુ ૨૦ ચીજવસ્તુઓ ઉપર પણ ડ્યૂટી વધારી શકે છે, જેમાં સોયાબીન તેલ, કોકો પાઉડર, ગોલ્ડ કાર, મોટરસાઇકલ સહિત કેટલીક ચીજવસ્તુઓ સામેલ છે.

You might also like