રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં વહીવટમાં વ્યાપક માત્રામાં ગોલમાલ ચાલવાની ફરિયાદોના પગલે હવે અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓનો વહીવટ ઓનલાઇન થશે.

આંગણવાડીઓ સીધી લીટીમાં ચાલે તે માટે હવે આંગણવાડીઓમાં આઇ પોષણ સોફ્ટવેર સાથે ઇન્ટેલિજન્સ પેમેન્ટ ગેટવે અને સુપરવિઝન સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમ લગાવવાના કારણે આંગણવાડીના રજિસ્ટર ઓનલાઇન થઇ જશે. સાથે આંગણવાડીએ કરવાના થતાં ચૂકવણા પણ ઓનલાઇન થશે અને જિલ્લાની દરેક આંગણવાડીનું સીધું સુપરવિઝન સરકાર કરશે. આયોજના માટે ૩થી વધુ કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે.

આંગણવાડીઓમાં કાર્યકર દ્વારા રજિસ્ટર નિભાવવામાં આવે છે. તેના બદલે હવે આઇ પોષણ સોફ્ટવેર કાર્યરત કરી દેવાશે. ઉપરાંત ઇન્ટેલિજન્સ પેમેન્ટ ગેટવે અને સુપરવિઝન સિસ્ટમ લગાડી દેવામાં આવશે. સિસ્ટમ કાર્યરત થવાના પગલે સંબંધિત દરેક આંગણવાડીનાં હિસાબ કિતાબનું ઓનલાઇન સુપરવિઝન થઇ શકશે અને કર્મચારીઓના પગાર તથા અન્ય ખર્ચની ચૂકવણી પણ ઓનલાઇ થઇ જશે.

અમદાવાદ જિલ્લાની આંગણવાડી સંચાલિકાઓને બાળકોને ભોજન આપવા માટેનું રેશન તો સરકાર દ્વારા મળે છે, પરંતુ મરી મસાલા અને અન્ય ખર્ચનું કન્ટીજન્સી બિલ અલગથી આપવામાં આવે છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલ પ૩ હજાર આંગણવાડીઓમાં લાખોની સંખ્યામાં બાળકો રમત સાથે ભણી રહ્યાં છે, ત્યારે સરકાર દ્વારા પહેલી વખત રાજ્યની તમામ આંગણવાડીનાં બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે.

You might also like