સર્વપિતૃ અમાસે જેટલા પણ પૂર્વજો હોય એ બધાંનું એકસાથે શ્રાદ્ધ કરી શકાય

સંસારમાં મનુષ્યોને ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, પરંતુ આપણાં શાસ્ત્રોમાં કેવી રીતે સુખી થવું તેના ઉપાય પણ બતાવેલા હોય છે. આ ઉપાયો ખરેખર બહુ જ સરળ અને ઘરેલું હોય છે. હાલ પિતૃમાસ ચાલી રહ્યો છે. આ મહિનામાં પિતૃઓનું પૂજન-તર્પણ કરી મનુષ્ય બધું પ્રાપ્ત કરી શકે છે.

એમાં પણ સર્વપિતૃ અમાસ (તા. ૯ ઓક્ટોબર, મંગળવાર), જે પિતૃમાસના અંતિમ દિવસે આવે છે. સર્વપિતૃ અમાસને મહાલય અમાસ પણ કહેવાય છે. આ અમાસે પેઢીના જેટલા પણ પૂર્વજો હોય એ બધાંનું એકસાથે શ્રાદ્ધ કરી શકાય છે. જે પૂર્વજોની તિથિ આપણે જાણતા ના હોઈએ એવા પૂર્વજોનું આ દિવસે તર્પણ કરી શકીએ છીએ.

હિન્દુ ધર્મ અનુસાર વ્યક્તિએ ઘણાં બધાં ઋણ ચૂકવવાનાં હોય છે, પણ મુખ્ય ત્રણ ઋણ, જે આપણે કોઈ પણ કાળે ચૂકવવા જ પડે છે. પહેલું ઋણ ભગવાનનું ચૂકવવું પડે, જેને આપણે દેવઋણ કહીએ છીએ. બીજું ઋણ ગુરુનું હોય છે, જેને આપણે ઋષિઋણ કહીએ છીએ.

અંતિમ ઋણ આપણાં માતા-પિતાનું હોય છે – આપણાં સગાંવાહલાંનું ઋણ હોય છે, જેને આપણે પિતૃઋણ કે પૂર્વજઋણ કહીએ છીએ. આ સર્વપિતૃ અમાસના દિવસે તર્પણના માધ્યમથી દેવ, ઋષિ અને પિતૃઋણ આપણે ચૂકવી શકીએ છીએ. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પિતૃમાસમાં અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ કરે છે એના પર ઈશ્વરની અસીમ કૃપા દૃષ્ટિ થાય છે તેમજ યમદેવ સુખ-શાંતિના આશીર્વાદ આપે છે.

પિતૃઓના આશીર્વાદથી સંતતિ, સંપત્તિ અને સંમતિ પ્રાપ્ત થાય છે. જો આમાંથી કોઈ પણ એક મુશ્કેલી આવતી હોય તો સર્વપિતૃ અમાસે દરેક પિતૃઓંને યાદ કરી યથાયોગ્ય બ્રહ્મભોજન કરાવવું શ્રેષ્ઠ રહેશે.

જ્યોતિષશાસ્ત્રમાં પણ સર્વપિતૃ અમાસનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે જન્મકુંડળીમાં ક્યારેક એવા ગ્રહોના યોગ બને છે, જેમ કે પિતૃદોષ, કાલસર્પ દોષ, ચાંડાળ યોગ, શ્રાપિત યોગ… આવા યોગોના કારણે જાતક બહુ તકલીફમાં મુકાય છે.

ઘણા પ્રયત્નો પછી પણ સુખી થઈ શકતો નથી, તો આવા યોગોના નિરાકણ માટે સર્વપિતૃ અમાસના દિવસે નદીકિનારે જઈ યથા યોગ્ય વિષ્ણુ પૂજન તેમજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી જીવનમાં શાંતિ લાવી શકાય છે.

અંતમાં મારી નજરે: કોઈ પણ અમાસ હોય કે કોઈ પણ તિથિ હોય, માતા-પિતાની સેવા એ જ સ્વર્ગ છે અને કોઈને નડીએ નહિ એ સૌથી મોટું પુણ્ય છે.•
– ડૉ.જલ્પેશ મહેતા  M- ૭૬૦૦૪૫૬૭૮૯

You might also like