તા.૧ મેથી બાંધકામના તમામ પ્લાન ફરજિયાત ઓનલાઈન રજૂ કરવા પડશે

અમદાવાદ: ગુજરાત સ્થાપના દિન એટલે કે ૧લી મેથી રાજ્યભરનાં તમામ નાનાં મોટાં રહેણાકનાં મકાનોનાં બાંધકામ કે જૂનાં બાંધકામોને તોડીને નવા ફેરફાર સાથેના બાંધકામના પ્લાન મંજૂરી માટે ઓનલાઇન કરવાનું ફરજિયાત કરાયું છે. ૧૬ એપ્રિલ ર૦૧૮થી પ૦૦૦ ચોરસ મીટરથી વધારેના માત્ર રહેણાક હેતુના બાંધકામ પ્લાનની ઓનલાઇન સબમિશનને મંજૂરી આપવાનું શરૂ કરાયું હતું. હવે ૧લી મેથી નાનાં મોટાં તમામ પ્રકારનાં રહેણાક કે કમર્શિયલ પ્લાન ઓનલાઇન સબમિટ કરવાનું ફરજિયાત કરાયું છે.

આ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યના ર૦૦થી વધારે આર્કિટેકટ અને બિલ્ડરને મહત્વની તાલીમ ઔડા દ્વારા આપવામાં આવી છે. તાજેતરમાં જ અમદાવાદ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને અર્બન ઓથોરિટી વિસ્તારમાં ૧૬ એપ્રિલ ર૦૧૮થી પ૦૦૦ ચોરસ મીટર કે તેનાથી વધુના અને માત્ર રહેણાકનાં બાંધકામોની મંજૂરી આપવા માટેની ઓનલાઇન સિસ્ટમ અમલી કરાઇ હતી. પરંતુ હવેથી રાજ્યના સ્થાપના દિન ૧લી મે ર૦૧૮થી તમામ નાનાં મોટાં પ્લાન જેના રહેણાક, કમર્શિયલ અને ઔદ્યોગિક બાંધકામોને પણ આવરી લેવાય છે.

પ૦ ચોરસ મીટરથી લઇને ગમે તેટલો મોટો પ્રોજેકટ હોય તેવાં બાંધકામ પ્લાન ઓનલાઇન અરજી મૂકવાનાં રહેશે. તમામ પ્લાન ઓનલાઇન થવાના કારણે હવે ઔડા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તમામ કચેરીમાં કોઇ પણ બિલ્ડર કે ડેવલપરે ધક્કા ખાવા પડશે નહીં.

એટલું જ નહીં પ્લાન અંગેનાં સબમિશન પછીની ક્વેરી પણ ૪૮ કલાકમાં ઓનલાઇન મળી જશે. આ ઉપરાંત પ્લાન નકશા મૂકવા માટેની ભરવા પાત્ર રકમ પણ ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એકાઉન્ટમાં ડાયરેકટ ઓન લાઇન જમા કરાવી શકાશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનાં એક સરખી નીતિ અપનાવવા માટે કોમન જીડી સીઆર લાગુ કરાયો છે. ઓટો જીડીસીઆર અને ઓટોકેડ સોફટવેર રૂ.૧૦ કરોડના અંદાજિત ખર્ચે વિકસાવાયું છે.

You might also like