તમામ લોકોને છે વ્રતનો અધિકાર

સ્કંદપુરાણ લખે છે કે “પોતાના વર્ણના તથા આશ્રમના આચારમાં તત્પર, શુદ્ર મનવાળો, લોભરહિત, સત્યવાદી, સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર જે પુરુષ હોય, તે વ્રતનો અધિકારી કહેવાય છે. નહીં તો વ્રતમાં વ્યર્થ પ્રયાસ થાય છે. શ્રદ્ધાવાન, પાપથી ડરનારો, મદ તથા દંભથી રહિત, પ્રથય િનશ્ચય કરી યથાયોગ્ય કર્મ કરનાર, વેદની નિંદા ન કરનારો અને બુદ્ધિમાન પુરુષ કે સ્ત્રી વ્રતાદિકનાં અધિકારી છે.”

પહેલાં વાક્યમાં જણાવ્યા મુજબ, “પોતાનાં વર્ણના તથા આશ્રમના આચારમાં તત્પર” એમ કહેલું છે. માટે વ્રતાદિકમાં ચારેય વર્ણને અધિકાર છે જ. કર્મપુરાણ પણ લખે છે કે, “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર જે કોઈ યજ્ઞ, દાન, સમાધિ, વ્રત, ઉપવાસ, નિયમ, હોમ, સ્વાધ્યાય અને તર્પણથી મહાદેવને પૂજે છે. તેને મહાદેવજીની કૃપાથી સાયુજ્ય, સામિપ્ય, સાલોક્ય અને સારૂપ્ય મુક્તિ મળે છે. દેવલ મુનિ પણ કહે છે કે, “વ્રત, નિયમ, ઉપવાસ અને તપ વગેરેથી શરીરનાં કષ્ટો વડે સર્વ વર્ણો પાપથી મુક્ત થાય છે. તેમાં કોઈ સંશય રાખવો નહીં.”

ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંબોધીને કહ્યું છે કે, “હે શ્રેષ્ઠ કુંતીપુત્ર, જે પાપી હોય, સ્ત્રી હોય, વૈશ્ય કે શૂદ્ર હોય તે પણ જો મારે શરણે આવે છે તો તે પરમ ગતિને પામે છે.” કોઈ કોઈ પુરાણમાં વિધર્મીને પણ વ્રતનો અધિકાર અપાયો છે. જે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તથા બીજા મનુષ્યો સહિત સ્ત્રીઓ પણ વ્રત કરે છે તેમના તમામ શુભ મનોરથ પૂર્ણ થાય છે.

સુવાસિની સ્ત્રીઓએ પતિની આજ્ઞા વિના કોઈ જાતનાં વ્રત જપ તપ ઉપવાસ કરવા નહીં. જો કોઈ સ્ત્રી પતિની આજ્ઞા વિના આમાંનું કાંઈ પણ કાર્ય કરે તો તે સફળ થતું નથી. પતિની આરાધના સર્વ વ્રતોમાં અધિકાર પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી પરપુરુષમાં આસક્ત ન હોય અને પતિની સેવા કરતી હોય તે પતિવ્રતા સ્ત્રીને પતિનું પૂજન કરે અથવા પિતૃ વગેરેનો સત્કાર કરે તેથી પતિને જે ફળ મળે તેનું અર્ધું ફળ આપોઆપ જ મળી જાય છે.

વ્રત કરનાર માટેના નિયમ:
ક્ષમા રાખવી, સત્ય બોલવું. દયા રાખવી. દાન દેવું. અંદર બહારથી પવિત્ર રહેવું. ઈન્દ્રિયોનો નિગ્રહ રાખવો. જે દેવનું વ્રત હોય તે દેવને અચૂક પૂજવા. જે દેવનું વ્રત હોય તે દેવને ઉદ્દેશીને અગ્નિમાં હવન કરવો. સંતોષ રાખવો. ચોરી કરવી નહીં.
પૂજ્ય દેવતાને ઉદ્દેશીને હોમ કરવો તે અગ્નિહોમ. તેમાં પણ સપ્તમી વ્રતમાં સૂર્યપૂજા અને અગ્નિહોમ તથા નવમી વ્રતમાં દુર્ગાપૂજા કરવી. જે વ્રત દેવને અનુલક્ષીને ન હોય તે વ્રતમાં ઈષ્ટદેવનું પૂજન અચૂક કરવું.

લીધેલું વ્રત અધૂરું ન મૂકવુંઃ
શ્રાદ્ધપક્ષમાં પિતૃદેવનું પૂજન ખાસ કરવું. તે વગર કોઈ પણ કાર્ય કરવું નહીં. જો કોઈ મનુષ્ય વ્રત લીધા પછી પોતાની ઈચ્છાથી વ્રત ન કરે અને તોડી નાખે તો તેનાં અનેક જન્મો વિફળ જાય છે. જો કોઈ મનુષ્યને વ્યાધિ લાગુ પડી જાય તો અને તે વ્રત નક્કી શકે તો શાસ્ત્રોએ તે અંગે વાંધ દર્શાવ્યો નથી પણ કોઈ જીવલેણ કે ભયંકર વ્યાધિ લાગુ પડે તો જ વ્રત તોડવું.

ગરુડપુરાણ તથા સ્કંદપુરાણ પણ લખે છે કે, “ક્રોધ, આળસ કે લોભથી જો વ્રતનો ભંગ થાય તો ત્રણ દિવસ ભોજન કરવું નહીં. અથવા માથે મુંડન કરાવવું. આ છે વ્રત ભંગનું પ્રાયશ્ચિત.”

ઉપવાસમાં રાખવા જેવી સાવધાની:
ઉપવાસ તથા શ્રાદ્ધને દિવસે દાતણ (લાકડાનું) કરવું નહીં. દાંત દાતણથી સાફ કરવાથી ઘરના સાત પુરુષનો નાશ થાય છે. અહીં આનો અર્થ એ નથી કે દાતણ કરવું નહીં. અહીં ખાસ સ્પષ્ટતા કરવાની કે દાતણ બાવળ, વડનું ન હોવું જોઈએ. દાતણમાં બ્રશ, વાપરી શકાય. મુખ શુદ્ધિમાં પ્રથમ જીભ ઉપરથી ઊલ ઉતારવું. બાર કોગળ કરવા.

વારંવાર જળ પીવાથી, સુવાથી અને મૈથુનથી વ્રત નિષ્ફળ જાય છે. જો કોઈ વ્રતમાં જળ પીવાનો નિષેધ હોય તો અને જળ પીવા વગર જીવ જાય તેવો હોય તો જળ અવશ્ય પીવું. આમ, આવશ્યકતા હોય તો જળ પીવાથી ઉપવાસ તૂટતો નથી. વ્રત પૂર્ણ થાય ત્યારે બ્રહ્મભોજન કરાવવું. દક્ષિણા આપવી. જ્યાં સુધી એક વ્રત સમાપ્ત ન થાય ત્યાં સુધી બીજું વ્રત લેવું નહીં. હા, વ્રતના દિવસે તથા પારણાંને દિવસે માંસ ભક્ષણ કરવું જ નહીં. વળી, વ્રતના દિવસે બને ત્યાં સુધી ઔષધ પણ લેવું નહીં.•

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like