તમામ કોલેજોમાં કેમ્પસ પ્લેસમેન્ટ ફરજિયાત

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની તમામ કોલેજોમાંથી સ્નાતક અને અનુસ્નાતક સહિતનો અભ્યાસ કરી ચૂકેલા યુવાનો બેરોજગારીના મુદ્દે પિડાઇ રહ્યા છે. આગામી ૧૮થી ૩૧ માર્ચ સુધીમાં હવે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કેમ્પસ પ્લેસમેન્ટ શિબિર હવે ફરજિયાત કરવામાં આવી છે. બેરોજગારીથી પીડાતા હજારો શિક્ષિત યુવાનો માટે મોડે મોડે ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યો છે.

તમામ કોલેજોએ ૧૦ થી ૧૭ માર્ચ દરમ્યાન વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂમાં મદદ મળી રહે તે માટે ઇંગ્લિશ ઇમ્પ્રૂવમેન્ટ, કોમ્યુનિકેશન સ્કિલ, મોક ઈન્ટરવ્યૂ વગેરે તાલીમનું ફર‌િજયાતપણે આયોજન કરવું પડશે એટલું જ નહીં વિદ્યાર્થીને આપવામાં આવેેલ ટ્રેનિંગ , ટ્રેનિંગનો વિષય, ટ્રેનરનું નામ, સહિતની વિગતો પણ પ્લાનિંગ સાથે આગામી સપ્તાહમાં શિક્ષણ વિભાગને મોકલી આપવી પડશે.

વધારેમાં વધારે વિદ્યાર્થીઓને રોજગારીના વિકલ્પો મળી રહે તે માટે ૧૮ થી ૩૧ માર્ચ સુધીમાં તમામ કોલેજ કેમ્પસમાં ફર‌િજયાત કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવું પડશે. કેમ્પસ પ્લેસમેન્ટની તારીખ નક્કી કરી રોજગાર મેળામાં ભાગ લેનારી નોકરી આપી શકે તેવી એજન્સીની યાદી બનાવી શિક્ષણ વિભાગને મોકલવાનું ફર‌િજયાત બનાવાયું છે. હજારો બી.એ., બી.કોમ, એમ.બી.એ. એન્જિનિયર યુવાનોને ભણતર પછી બેરોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી જાગી છે.
http://sambhaavnews.com/

You might also like