AMU: હિઝબુલમાં સામેલ મન્નાન વાનીનો રૂમમેટ મુજમ્મિલ પણ લાપતા

અલીગઢ: જમ્મુ-કાશ્મીરમાં રહેતા લાપતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી મન્નાન વાનીની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેનો રૂમમેટ મુજમ્મિલ હુસેન પણ જુલાઈ-૨૦૧૭થી લાપતા છે. મુજમ્મિલ હુસેન જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાનો રહેવાસી છે. આ દરમિયાન પોલીસે જણાવ્યું છે કે વાનીએ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન જોઈન કરી લીધું છે કે કેમ તે કહેવું અત્યારે ઉતાવ‌િળયું ગણાશે.

મન્નાન વાની હિઝબુલમાં જોડાયાે હોવાની અટકળો વચ્ચે યુપીએસ એટીએસએ સોમવારે બંને કાશ્મીરી વિદ્યા‌ર્થીની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં વાનીની રૂમમાંથી કેટલીક શંકાસ્પદ સામગ્રી અને ચીજવસ્તુઓ મળી છે. તેમણે જણાવ્યું હતું કે પુસ્તકો, ફોટોકોપી, પેનડ્રાઈવ સહિત કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો તેના રૂમમાંથી મળ્યા છે.

બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના એડીજી મુનિર ખાને જણાવ્યું હતું કે તમામ ચીજવસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે કે અલીગઢ પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે વાનીએ જાન્યુઆરી-૨૦૧૭માં પોતાની હોસ્ટેલમાં હિઝબુલના કેલેન્ડરનું વિતરણ કર્યું હતું.

અલીગઢના એસએસપી રાજેશ પાંડેએ જણાવ્યું છે કે વાનીનો રૂમમેટ ગઈ સાલના જુલાઈથી ગાયબ છે. હોસ્ટેલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મન્નાનને ૨ જાન્યુઆરીએ છેલ્લી વાર જોયો હતો. મન્નાન વાનીની એએમયુમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

બે દિવસ પહેલાં રાઈફલ સાથે વાનીનો ફોટો ફેસબુક પર વાઈરલ થયો હતો, જેમાં જણાવાયું હતું કે તે ૫ જાન્યુઆરીથી હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાઈ ગયો છે. એએમયુના પીઆરઓનું કહેવું છે કે ભૂસ્તરશાસ્ત્રના રિસર્ચ સ્કોલર મન્નાન બશીર વાનીની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે, તેની સાથે હબીબ હોલ હોસ્ટેલમાં તેના રૂમને સીલ કરી દેવાયો છે.

You might also like