નાનકડી ઉંમરમાં ટેલેન્ટનો ખજાનો છે અાલિયા ભટ્ટ

નાનકડી ઉંમરમાં એક પછી એક સફળ ફિલ્મો અને દમદાર અભિનયના કારણે અાલિયા ભટ્ટ ટેલેન્ટનો ખજાનો ગણાવા લાગી છે. તેણે માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બદ્રીનાથની દુલ્હનિયા’ પછી ત્રણ મહિનાનો બ્રેક લીધો હતો. અા દરમિયાન તે વિવિધ પ્રકારના ડાન્સ શીખી અને વચ્ચે વચ્ચે તેણે રજાઅો પણ માણી. હવે તે મેઘના ગુલઝારની ફિલ્મ ‘રાજી’માં વીકી કૌશલ સાથે, જોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોયસ’માં રણવીરસિંહ સાથે અને અયાન મુખરજીની ‘ડ્રેગન’માં રણબીર કપૂર સાથે જોવા મળશે.

હાલમાં તે અા ત્રણ ફિલ્મોમાં કામ કરી રહી છે. ‘હાઈવે’, ‘ટુ સ્ટેટ્સ’, ‘ઉડતા પંજાબ’ અને ‘રિયલ જિંદગી’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે પ્રશંસા મેળવી ચૂકેલી અાલિયાનું કહેવું છે કે અાજે તે સફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે. તેણે એક વ્યક્તિ તરીકે તેને જરાય બદલી નથી. તે કહે છે કે હું હજુ પણ એ જ વ્યક્તિ છું. મારો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી હું કામ કરી રહી છું. હજુ પણ હું ત્યાં જ છું. મને લાગતું નથી કે મેં કાંઈ ખાસ કર્યું છે.

અાલિયાનું કહેવું છે કે મેં ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિના કહેવાથી મારી કરિયર પર કોઈ દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો નથી. હું મારી જાતને પડકાર અાપવા ઇચ્છું છું અને ગંભીર ભૂમિકાઅો કરવા ઇચ્છું છું. સાથે-સાથે કોમેડી પણ કરવા ઇચ્છું છું. એકસાથે ત્રણ ફિલ્મોના શૂટિંગ તથા તેમાં અલગ અલગ પાત્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં હાલમાં અાલિયા ફિટનેસ પર ખાસ્સી મહેનત કરી રહી છે.

તે લીંબુ પાણી અને ખીચડીની સાથે મોડી રાત સુધી શૂટિંગ માટે તૈયારી કરતી રહે છે. તેને અે વાત સ્વીકારવામાં પણ કોઈ વાંધો નથી કે હવે તે બે વર્ષ પહેલાં જેવી લાગતી હતી તેવી લાગતી નથી. હવે તે એકદમ અલગ છે. તે સ્વસ્થ અને ખુશ રહે છે. હજુ પણ મીઠું, ખાંડ અને તેલ યોગ્ય માત્રામાં લે છે. તેણે પોતાની ખાવા-પીવાની અાદતો સુધારી દીધી છે. •

You might also like