નાની હતી ત્યારથી શાહરુખ ખાનની ફેન રહેલી આલિયા ભટ્ટ જ્યારે શાહરુખ સાથે ફિલ્મમાં કામ કરી રહી છે ત્યારે તે ખૂબ ખુશ છે. તે કહે છે કે મારા માટે આ ફિલ્મ કોઇ કુતૂહલથી ઊતરતી નથી. સાચું કહું તો આ મારું સપનું પૂરું થવા જેવું છે. મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે મને કિંગ ખાન સાથે ફિલ્મમાં કામ કરવા મળશે. હું જ્યારે નાની હતી ત્યારે તેનાં ગીતો પર નાચતી હતી.
આલિયા રણબીર કપૂર સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. અયાન મુખરજીના ડિરેકશનમાં બનનારી આ ફિલ્મને હજુ થોડી વાર છે. આ ફિલ્મને લઇને પણ આલિયા એક્સાઇટેડ છે, કેમ કે રણબીર તેનો ફેવરિટ એક્ટર છે. આલિયા નંબર વન અભિનેત્રી બનવા ઇચ્છે છે. તે કહે છેઃ હા, હું બોલિવૂડની નંબર વન અભિનેત્રી બનવા ઇચ્છું છું, પરંતુ તેમાં હજુ સમય લાગશે. હું એક દિવસ ટોપ પર જરૂર પહોંચીશ. મને મારી જાત પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું એક મહત્વાકાંક્ષી અભિનેત્રી છું.
આલિયા એક પ્રતિભાશાળી અભિનેત્રી બની રહી છે, પરંતુ તેની મહત્ત્વાકાંક્ષા બોક્સ ઓફિસ પર તહલકો મચાવનાર અભિનેત્રી બનવાની છે. તે કહે છે, હું ખુદને સારી અભિનેત્રી સાબિત કરતી જઇશ તેમ મારી સાથે મારું સ્ટારડમ પણ વધતું જશે. •