હું ક્યારેય દર્શકોને છેતરતી નથીઃ આલિયા ભટ્ટ

પાંચ વર્ષ લાંબી પોતાની કારકિર્દી દરમિયાન આલિયા ભટ્ટના ખાતામાં જે પ્રકારની ફિલ્મો છે તેને જોઇને બોલિવૂડની કોઇ પણ અભિનેત્રી તેની ઇર્ષા કરી શકે છે. દમદાર અભિનય અને ફિલ્મોની સારી પસંદગીના કારણે આજે આલિયા સારી સ્થિતિમાં છે. પ્રતિભા અને સ્ટાર પાવરની બાબતમાં તે પોતાની પેઢીની સૌથી ભરોસાપાત્ર અભિનેત્રીઓમાંથી એક બની ચૂકી છે ત્યારે જ તો દરેક હીરો અને ફિલ્મ નિર્માતા તેની સાથે કામ કરવા ઇચ્છે છે. કોઇ પણ શંકા વગર કહી શકાય કે તેની કરિયરની ગતિ તેની સાથેની તમામ અભિનેત્રીઓ કરતાં ઘણી આગળ વધી ચૂકી છે. તે કહે છે કે હું આ બાબતને આ નજરથી જોતી નથી. હું દરેક વસ્તુને આ પ્રકારે જોવા ઇચ્છતી નથી. હું ક્યારેય એવું વિચારતી નથી કે જે વસ્તુ કોઇ બીજાને મળે છે તે મને શા માટે મળતી નથી? આવી માનસિકતા યોગ્ય નથી, કેમ કે કોઇ પણ વસ્તુ સ્થાયી નથી. દરેક વસ્તુ બદલાતી રહેતી હોય છે. આજે હું જે છું, કાલે તે અન્ય કોઇ હોઇ શકે છે.

એક અભિનેત્રીના રૂપમાં આલિયા માને છે કે ફિલ્મો પ્રત્યે તેના વિચારો અલગ છે. તેના જણાવ્યા અનુસાર તે પોતાની સફળતા પર વધુ વિચાર કરતી નથી. ફિલ્મો કરવાનું મારું કારણ કરિયરમાં સફળતા મેળવવી નથી. હું ફિલ્મો એટલે કરું છું, કેમ કે હું દિલથી એક અભિનેત્રી બનવા અને જાતજાતનાં પાત્ર ભજવવા ઇચ્છું છું. હું ઇચ્છું છું કે મારી ફિલ્મો સારું પ્રદર્શન કરે, કેમ કે હું મારા દર્શકોને છેતરવા ઇચ્છતી નથી. આ જ કારણે મારી ફિલ્મો સારું પ્રદર્શન કરી રહી છે. સફળતા મારી રિયલ પ્રેરણાશક્તિ નથી, પરંતુ ફિલ્મો પ્રત્યેના મારા ઝનૂન અને દૃઢ સંકલ્પના કારણે આમ બને છે. •

You might also like