અલીબાબાના વડા જેક માએ નિવૃત્તિ જાહેર કરી

સાન ફ્રાન્સિસ્કો: ચીન સ્થિત દુનિયાની સૌથી જાણીતી ઇ-કોમર્સ કંપની અલીબાબાના સંસ્થાપક અને વડા જેક માએ જાહેરાત કરી છે કે તેઓ સોમવારથી કંપનીમાંથી રિટાયર્ડ થઇ જશે. તેઓ સોમવારે પોતાના બર્થ ડે પર કંપનીને અલવિદા કરીને શિક્ષણ આધારિત માનવ સેવામાં જોડાઇ જશે.

વર્ષ ૧૯૯૯માં અલીબાબાની શરૂઆત થઇ તે પહેલાં જેક મા શિક્ષક હતા અને અત્યારે તેઓ અબજો ડોલરની વિશાળ ઇ-કોમર્સ કંપનીનું સંચાલન કરી રહ્યા છે.

શુક્રવારે ટ્રેડિંગ બંધ થવા પર શેરની કિંમતના આધારે કંપનીની વેલ્યુ ૪૨૦.૮ અબજ ડોલર એટલે કે રૂ. ત્રણ લાખ કરોડ આંકવામાં આવી છે. જેક માએ ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવે તેઓ કંપનીમાંથી નિવૃત્તિ લઇ રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે મારી રિટાયર્મેન્ટે મારી કરિયરનો અંત નહીં પણ નવા અધ્યાયની શરૂઆત છે. જેક મા ચીનની સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તેઓ એશિયામાં પણ સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મૂકેશ અંબાણીએ તેમને પાછળ રાખી દીધા હતા. ફોર્બ્સના જણાવ્યા અનુસાર જેક માની કુલ સંપત્તિ ૩૬.૬ અબજ ડોલર (રૂ. ૨૬ હજાર કરોડ) છે.

હાંગઝુ ટીચર્સ કોલેજથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા જેક મા બીજી યુનિવર્સિટીમાં ભણાવવા પણ જાય છે. જેક મા જે શહેરમાં ભણાવતા હતા ત્યાં જ અલીબાબાનું હેડ ક્વાર્ટર છે. તેમણે જણાવ્યું હતું કે જો હું બિઝનેસમેન ન હોત તો શિક્ષક જ થયો હોત. મેં પ્રથમ વાર જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો ત્યારે મને ઘણું સારું લાગ્યું હતું અને મને ખાતરી થઇ હતી કે હું ચીન અને વિશ્વને બદલી શકીશ.

You might also like